Vadodara News Network

મૂળ વડોદરાના કાશ પટેલ FBIના ડિરેક્ટર બન્યા:ઇન્ટેલિજન્સમાં રહી જાસૂસી મિશન પાર પાડ્યું, પરિવાર આફ્રિકાથી કેનેડા થઈને અમેરિકા શિફ્ટ થયો; જાણો કાશની રસપ્રદ વાતો

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતી મૂળના કશ્યપ કાશ પટેલને તપાસ એજન્સી ‘ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે શનિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આની જાહેરાત કરી હતી.

આ પોસ્ટમાં ટ્રમ્પે કાશ પટેલના ભૂતકાળના કામની પણ પ્રશંસા કરી હતી. આ પહેલાં કાશ પટેલે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સંરક્ષણ મંત્રાલયમાં ચીફ ઓફ સ્ટાફ, નેશનલ ઈન્ટેલિજન્સ ડેપ્યુટી ડાયરેક્ટર અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં આતંકવાદ વિરોધી કાર્યક્રમોના સિનિયર ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

કાશ પટેલને અમેરિકાનો પહેલો ફાઇટર ગણાવ્યો ટ્રમ્પે કહ્યું કે મને ગર્વ છે કે કશ્યપ કશ પટેલ FBIના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક તેજસ્વી વકીલ અને ઇન્વેસ્ટિગેટર છે. કાશ પટેલનાં વખાણ કરતા ટ્રમ્પે તેમને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઇટર કહ્યા. ટ્રમ્પે કહ્યું કે કાશ પટેલે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાય અને અમેરિકન લોકોની રક્ષા કરવામાં ખર્ચી છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વધતા ક્રાઈમ રેટ, ગુનાહિત ગેંગ અને સરહદ પર થઈ રહેલા માનવ અને ડ્રગ્સ સ્મગ્લિંગ જેવા ગુનાઓ સાથે કામ કરવા માટે કાશ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે.

જાસૂસી મિશન પણ પાર પાડ્યું

2020માં સીરિયાની રાજધાની દમાસ્કસમાં અમેરિકા દ્વારા એક ગુપ્ત મિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ કાશ પટેલે કર્યું હતું. સીરિયા દ્વારા ધરપકડ પામેલા સાયકોથેરેપિસ્ટ મજદ કમલમાઝ અને પત્રકાર ઓસ્ટિન ટાઈસની મુક્તિ માટે એ મિશન યોજવામાં આવ્યું હતું.

કાશ પટેલ એટર્ની જનરલ પામ બોન્ડી હેઠળ કામ કરશે.
કાશ પટેલ એટર્ની જનરલ પામ બોન્ડી હેઠળ કામ કરશે.

ગુજરાતી પરિવારમાં જન્મેલા માતા-પિતા યુગાન્ડાથી ભાગી ગયા હતા કાશ પટેલનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. 44 વર્ષના કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના મૂળિયાં ગુજરાતના વડોદરા શહેરમાં છે. યુગાન્ડાના શાસક ઈદી અમીનના દેશ છોડવાના આદેશથી ડરીને કાશ પટેલનાં માતા-પિતા 1970ના દાયકામાં કેનેડા થઈને અમેરિકા ભાગી ગયાં હતાં. કાશ પટેલના પિતાને 1988માં અમેરિકન નાગરિકતા મળ્યા બાદ તેમને એક વિમાન કંપનીમાં નોકરી મળી.

કાશ પટેલે ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીની લૉ સ્કૂલમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. 2004માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, જ્યારે કાશ પટેલને મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી, ત્યારે તેમણે સરકારી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. માયામીનાં ન્યાયાલયોમાં તેમણે લગભગ 9 વર્ષ કામ કર્યું હતું. એ સમયગાળામાં તેમણે હત્યા, નશીલા પદાર્થોની ફેરાફેરી અને નાણાકીય ગુનાઓ સહિતના જટિલ કેસો ઉકેલ્યા હતા.

2013માં તેમને ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’માં ટ્રાયલ એટર્ની તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યાં તેમણે અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી જૂથો સાથે સંકળાયેલ વ્યક્તિઓની તપાસ કરવાનું કામ કર્યું હતું. 2017માં તેમને ‘હાઉસ ઇન્ટેલિજન્સ કમિટી’ ખાતે આતંકવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

2019માં તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ (NSC)ના કર્મચારી તરીકે નિયુક્ત કર્યા હતા. એ જ વર્ષે તેમને કાઉન્ટર ટેરરિઝમ ડિરેક્ટોરેટના વરિષ્ઠ નિયામક પણ બનાવવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલાં રાષ્ટ્રપતિ-કાર્યકાળ દરમિયાન કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ટ્રમ્પના આતંકવાદ વિરોધી સલાહકાર તરીકે તથા સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.

કાશ પટેલને 2016ની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપ અંગે રચાયેલી સમિતિમાં સામેલ કર્યા હતા. આના પર કામ કરતી વખતે જ તે સૌથી પહેલાં ટ્રમ્પની નજરમાં આવ્યા હતા.
કાશ પટેલને 2016ની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપ અંગે રચાયેલી સમિતિમાં સામેલ કર્યા હતા. આના પર કામ કરતી વખતે જ તે સૌથી પહેલાં ટ્રમ્પની નજરમાં આવ્યા હતા.

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે પોતાના પ્રેસિડેન્ટ તરીકે 2019માં યુક્રેન પર જો બાઇડેનના પુત્ર વિશે માહિતી એકઠી કરવા દબાણ કર્યું હતું. જેના કારણે વિપક્ષ તેમના પર નારાજ થઈ ગયા હતા. કોઈપણ કાયદાકીય ગૂંચવણો ટાળવા માટે, ટ્રમ્પે આ મામલે મદદ કરવા માટે સલાહકારોની એક ટીમ બનાવી. જેમાં કાશ પટેલનું નામ પણ સામેલ હતું. પછી તેમનું નામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

કાશ પટેલે 2019માં ટ્રમ્પ વહીવટીતંત્રમાં જોડાયા બાદ પ્રમોશનની સીડી ઉપર ચઢવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ માત્ર 1 વર્ષ અને 8 મહિના ટ્રમ્પ વહીવટીતંત્રમાં રહ્યા, પરંતુ બધાના ધ્યાન પર આવ્યા. ધ એટલાન્ટિક મેગેઝિનના એક અહેવાલમાં કાશ પટેલને એવી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે જે ‘ટ્રમ્પ માટે કંઈ પણ કરી શકે’.

ટ્રમ્પ વહીવટીતંત્રમાં જ્યાં લગભગ દરેક જણ પહેલેથી જ ટ્રમ્પ પ્રત્યે વફાદાર હતા, ત્યાં તેમની ગણતરી ટ્રમ્પના સૌથી વફાદાર લોકોમાં પણ થતી હતી. આ કારણે ઘણા અધિકારીઓ તેમનાથી ડરતા હતા.

કાશ પટેલે ટ્રમ્પ માટે ઘણાં ગીતો પણ લખ્યાં છે, જેમાં તેમને દેશભક્ત ગણાવ્યા છે.
કાશ પટેલે ટ્રમ્પ માટે ઘણાં ગીતો પણ લખ્યાં છે, જેમાં તેમને દેશભક્ત ગણાવ્યા છે.

ટ્રમ્પ પર પુસ્તક લખ્યું, તેમાં પણ મદદરૂપ બન્યા કાશ પટેલ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે 17 ગુપ્તચર એજન્સીઓની કામગીરીનું ધ્યાન રાખ્યું હતું. આ પદ સંભાળતી વખતે પટેલ અનેક મહત્ત્વની બાબતોમાં સંકળાયેલા હતા. તે ISIS નેતાઓ, બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદા નેતાઓને ખતમ કરવા ઉપરાંત ઘણા અમેરિકન બંધકોને પરત લાવવાના મિશનમાં પણ સામેલ છે.

ટ્રમ્પે પદ છોડ્યા બાદ કાશ પટેલ પૂર્વ રાષ્ટ્રપતિના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાશે “ગવર્નમેન્ટ ગેંગસ્ટર્સઃ ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી” નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સરકારમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે.

ટ્રમ્પને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે કાશ પટેલે ધ પ્લોટ અગેઇન્સ્ટ ધ કિંગ નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં તેમણે એક જાદુગરની ભૂમિકા ભજવી છે, જે ટ્રમ્પને હિલેરી ક્લિન્ટનથી બચાવવામાં મદદ કરે છે. વાર્તાના અંતે જાદુગર લોકોને સમજાવવામાં સફળ થાય છે કે ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને છેતરીને સત્તા મેળવી નથી.

 

કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ની કામગીરી પર પણ દેખરેખ રાખે છે. કાશ પટેલે 2022 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતાર માટે સુરક્ષા સલાહકાર તરીકે પણ સેવા આપી હતી.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved