ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણીવાર અઠવાડિયા પહેલાં ટિકિટ બુક કરાવવી પડે છે અને કેટલીકવાર જો મુસાફરી કરવાનો તમારો પ્લાન બદલાય છે તો ટિકિટ કેન્સલ કરવી પડે છે. ટિકિટ કેન્સલ કરાવવા પર તેમને કેન્સલેશન ચાર્જ બાદ જ પૈસા મળે છે, પરંતુ હવે આવી પરિસ્થિતીમાં ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, પરંતુ તમે ટિકિટ કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકશો, જોકે એના માટે કેટલીક શરતો નક્કી કરાયેલી છે.
ટિકિટ ટ્રાન્સફરનો લાભ કોને મળે છે? ભારતીય રેલવેએ ટિકિટ ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. તમે તમારા પરિવારના સભ્યો – માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પતિ-પત્નીનાં નામ પર તમારી ટ્રેન ટિકિટને ટ્રાન્સફર કરી શકશો.
ટિકિટ ટ્રાન્સફર માટેની શરતો
ટ્રેન ટિકિટ ટ્રાન્સફરની સુવિધા માટે પેસેન્જરે ટ્રેન ઊપડવાના એક દિવસ એટલે કે 24 કલાક પહેલાં જાણ કરવી પડે છે. જો કોઈને લગ્ન સમારંભ અથવા અન્ય કોઈ અંગત કામ માટે મુસાફરી કરવી હોય તો તેણે 48 કલાક અગાઉ ટિકિટ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવી પડે છે.
ટિકિટ ટ્રાન્સફર માટેની પ્રક્રિયા શું છે?
- આ માટે ટ્રેનની ટિકિટની પ્રિન્ટ આઉટ લો અને તમે જે પરિવારના સભ્યનું નામ રજિસ્ટર કરવા માગો છો તેના ઓરિજિનલ IDની ફોટો કોપી સાથે ટિકિટ કાઉન્ટર પર જાઓ.
- ત્યાં ટિકિટ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ આપવામાં આવશે. એ ભરો અને મુસાફરી કરનારી વ્યક્તિની વિગતો આપો.
- આ પછી ટિકિટ પર પેસેન્જરનું નામ ક્રોસ આઉટ કરવામાં આવે છે અને જે સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર કરવામાં આવી છે તેનું નામ દાખલ કરવામાં આવે છે.
તમે બોર્ડિંગ પણ બદલી શકો છો ટ્રેન ટિકિટ ટ્રાન્સફર કરવા ઉપરાંત મુસાફરો બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે. આ માટે તમારે IRCTCની વેબસાઈટ પર જવું પડશે. ત્યાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કોમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટરની મુલાકાત લઈને ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં અરજી કરવી પડશે. ઑફલાઇન મોડ (રિઝર્વેશન કાઉન્ટર)માં ટિકિટ બુક કરવામાં આવે ત્યારે ભારતીય રેલવે બોર્ડિંગ સ્ટેશનના નામમાં ફેરફાર કરવાની મંજૂરી આપતું નથી.