ઓન લાઇન સંપર્ક કરી લંડનની ફાર્માસ્યુટિકલ કંપનીના નામે ભેજાબાજોએ વડોદરાના સિવિલ એન્જિનિયર સાથે 1.24 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. આર્યુવેદિક લીકવીડ ની ખરીદીમાં મોટો નફો મળશે એમ જણાવી ઇજનેરને લલચાવ્યો હતો. અને જુદા જુદા સમયે અલગ અલગ બહાને સવા કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી.
વીઆઇપી રોડ અપેક્ષા સોસાયટી માં રહેતા 55 વર્ષીય જીતેન્દ્ર મોહનભાઈ પટેલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.આર્કિટેક કંપનીમાં જીતેન્દ્રભાઈ ઓફિસે હતા તે સમયે લંડનની એક કંપનીના નામે એક ઇમેઇલ આવ્યો હતો. જેમાં કંપનીને ફાર્માસ્યુટિકલ દવા માટે પ્લુકેનેશિયા વીજ નામના લીકવીડ ની જરૂર હોવાનું જણાવ્યું હતું.
જેમાં લંડનની કંપની ભારતના સીધા ઉત્પાદક પાસેથી ખરીદી શકતી નથી. એના માટે એક ડીલરની જરૂર છે. ઉત્પાદક પાસેથી ખરીદી કરી તમે લંડનની કંપનીને વેચી શકો છો. એમાં મોટો નફો થશે આ નફો આપડે સરખા ભાગે વહેંચી લઈશું એમ ઇમેઇલ કરનારે જણાવતા મહેન્દ્રભાઈ લાલચમાં આવી ગયા હતા.
બાદમાં સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કરી ક્રિષ્ણા હર્બલ કંપનીનો સંપર્ક નંબર આપ્યો હતો અને 20 લિટર લીકવીડ જરૂર છે એમ જણાવ્યું હતું.કંપની એ એક લિટર લીકવીડનો ભાવ 2.35 લાખ હોવાનું જણાવી લંડનની કંપની તમને લિટરના 4800 ડોલર આપશે એમ જણાવ્યું હતું,
હર્બલ કંપનીએ 20 લિટર લિક્વિડ ની કિંમત રકમ એડવાન્સમાં માંગી હતી જેના 47.18 લાખ ચૂકવ્યા હતા. ઘરે પ્રથમ એક લિટર પાર્સલ આવ્યું હતું. જેના ટેસ્ટિંગ માટે મહેન્દ્રભાઈને મુંબઈ હોટલમાં બોલાવ્યા હતા. જ્યાં ટેસ્ટમાં લીકવીડ પાસ થયું હતું. પરંતુ 20 લિટર લીકવીડ સમયસર નહીં આવતા વધુ 30 લિટર લીકવીડ આપવું પડશે એમ જણાવ્યું હતું. અને બીજી રકમ 47 લાખ રૂપિયા હર્બલ કંપનીને મોકલ્યા હતા.
ત્યાર બાદ માત્ર 20 લિટર લીકવીડનું પાર્સલ આવ્યું હતું જે મુંબઈ આપવા માટે મહેન્દ્રભાઈ ગયા હતા.અને વધુ 30 લિટર લિક્વિડની માંગ કરતા એનો ઓર્ડર આપી 70.77 લાખ રૂપિયા બેંક મારફતે ચૂકવ્યા હતા. અંતે રકમ ની ચૂકવણી કરવા માટે વિઝા કાર્ડ લેવું પડશે એના માટે વધુ રકમ 8.30 લાખ માંગી હતી.જે પણ બેંક દ્વારા ચૂકવાઈ હતી.
તેમ છતાં વધુ રકમની માંગ કરવામાં આવતા અંતે શંકા જતા મહેદ્રભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે 1.24 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે મોબાઇલ નંબર ધારકો,વેબ સાઇટ બનાવનારા અને ઉપયોગ કરનારા,બેંક ખાતા ધારકો અને ઉપયોગ કરનારા અને છેતરપિંડીમાં સંડોવાયેલા ભેજાબાજોની તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ઇન્સાઇડ; વડોદરા સહિત બેંગલોર, મુંબઈ અને અલવરનાં બેંક ખાતાંમાં રકમ જમા થઈ
મહેન્દ્ર પટેલે આપેલી ફરિયાદમાં જે ખાતામાં સૌ પ્રથમ લાખો રૂપિયાની રકમ જમા થઈ એ ખાતા નંબર 60512293248 છે એ બેંક ઓફ મહારાષ્ટ્ર કારેલીબાગનુ ખાતું છે.જ્યારે અન્ય ખાતું કર્ણાટક બેંક શ્રીનગર બેંગલોર નું છે.એવી જ રીતે એક ખાતું આઈ.ડી.બી.આઈ બેંક નીમરાના અલવર રાજસ્થાનનું છે.જ્યારે કોટક મહિન્દ્રા બેંક આરોલી મુંબઈ અને પ્રસિક જનતા સહકારી બેંક ધનસોલી નવી મુંબઈનું હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઈમ દ્વારા વડોદરામાંથી 11 જેટલા બેંક ખાતા ધારકોને ઝડપી પાડ્યા હતા.જેમના ખાતામાં છેતરપિંડીની કરોડો રૂપિયા જેટલી રકમ જમા થઈ હતી.
મુંબઈ એરપોર્ટ પાસે આવેલી હોટલોમાં 3 વખત મુલાકાત
લંડનની ફાર્મા કંપનીના પ્રતિનિધિ બનેલા ડોક્ટર રોલેન્ડ સાથે 10 ડિસેમ્બરે એરપોર્ટ નજીક આવેલી ઇબીસ હોટલમાં થઈ હતી. હોટલમાં બોલાવ્યાત્યાર બાદ 30 લિટર લિવિડની ડિલિવરી માટે અંધેરીની રાઈટ ચોઇસ હોટલમાં મહેન્દ્રભાઈ ને બોલાવ્યા હતા દર વખતે જુદા વ્યક્તિ હાજર રહેતા.
વિઝા કાર્ડ અને કસ્ટમના નામે રૂપિયા પડાવ્યા હતા
મહેદ્રભાઈએ ભેજાબાજોની લંડનની ફાર્મા કંપની પાસે થી લીકવીડ ના રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેના જવાબમાં ભેજાબાજોએ યુનાઈટેડ બેંક ઓફ લંડન નું વિઝા કાર્ડ કઢાવ્યા બાદ રૂપિયાની ચૂકવણી થશે.અને એ માટે 2.80 લાખ ચૂકવવા જણાવ્યું હતું.
