વડોદરા વકીલ મંડળની આગામી તા. 20 ડિસેમ્બરે યોજાનાર રસાકસીભરી ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે, ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં વકીલોને બેસવા માટે અને કોર્ટ કેમ્પસમાં આડેધડ થતાં પાર્કિંગનો પ્રશ્ન મુખ્ય મુદ્દો મનાઇ રહ્યો છે. ત્યારે, આ રસાકસીભરી ચૂંટણીમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન આવશે? તે અંગે વકીલોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા વકીલ મંડળની 20 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ મેનેજિંગ કમિટીમા હોદ્દો મેળવવા માટે ચૂંટણી લડનાર ઉમેદવારો દ્વારા કોર્ટ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને મુખ્ય માર્ગોના ચાર રસ્તાઓ ઉપર વિશાળ હોર્ડીગ્સ લગાવી દેવામાં આવ્યા છે. એતો ઠીક કાયદાઓનો અભ્યાસ કરનાર વકીલ ઉમેદવારો દ્વારા કોર્ટના મુખ્ય ગેટને પણ હોર્ડિંગ લગાવવામાંથી બાકાત રાખ્યા નથી. કોર્ટ માર્ગ ઉમેદવારોના હોર્ડિગોથી ઉભરાઇ ગયા છે. કોઇ મોટી ચૂંટણી યોજાનાર હોય તેવો માહોલ કોર્ટ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલ સામે માજી ઉપપ્રમુખ વૈકંક જોષી (વીકી) વચ્ચે રસાકસી છે. બંને બળીયા ઉમેદવારોમાં વકીલો કોણે જીતાડી લાવશે તે કળવું મુશ્કેલ છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે પણ ખરાખરીનો જંગ જામશે. તે સાથે સેક્રેટરી, ટ્રેઝરર અને મેનેજિંગ કમિટીની 10 સીટો ઉપર જીતવા માટે ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નલિન પટેલ, વૈકંક જોષી, જનરલ સેક્રેટરી માટે રીતેષ ઠક્કર, વિવેક કુમાર રાવ, ટ્રેઝરર પદ માટે મનિષા પટેલ, મેનેજિંગ કમિટી પદ માટે ભાવિન વ્યાસ, ડિમ્પલ બ્રહ્મભટ્ટ, ધવલ પટેલ સહિતના વકીલ ઉમેદવારોએ વડોદરા વકીલ મંડળની રસાકસીભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ ચૂંટણીને લઇને ઉમેદવારો તેમજ વકીલ મતદારમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ મહિલા વકીલો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
મેનેજિંગ કમિટીના યુવા ઉમેદવાર ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બરે યોજાનાર વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ છે. આ ચૂંટણીમાં મારો મુખ્ય મુદ્દો કોર્ટ સંકુલમાં બનાવવામાં આવેલા એડવોકેટ હાઉસનું નવું બોર્ડ બનતાની સાથે લોકાર્પણ કરવામાં આવે, ઉપરાંત કોર્ટમાં હાલ વકીલો જ્યાં બેસીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓને હટાવવામાં ન આવે, નવા એડવોકેટ હાઉસમાં દરેક વકીલને જગ્યા ફાળવવામાં આવે. તેવા મારા પ્રયાસો રહેશે. આ વખતની ચૂંટણીમાં મને જુનિયર અને સિનિયર વકીલો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારી જીત માટે મારા વકીલ મિત્રો અને શુભેચ્છકો પણ પ્રચારમાં લાગી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે 3097 વકીલ મતદારો મતદાન માટે નોંધાયા છે. તા. 2 ડિસેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થનાર છે. પારદર્શક ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. 20 ડિસેમ્બરે મતદાન થશે. અને મતદાન પૂરું થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.