સંસદ ધક્કામુક્કી કાંડમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. રાહુલ ગાંધી કાયદાની ચૂંગાલમાં આવ્યાં છે. સંસદ ધક્કામુક્કી કેસમાં ભાજપની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરી છે. ભાજપે રાહુલ ગાંધી પર તેના બે સાંસદોને ધક્કામુક્કી કરીને ઈજા પહોંચાડવાનો આરોપ મૂકયો છે. દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીએ આ માહિતી જાહેર કરી હતી.
.
શું હતો ધક્કાકાંડ
ગૃહ મંત્રી અમિત શાહના આંબેડકર પરના નિવેદનનો વિરોધ કરવા માટે કોંગ્રેસ સાંસદો સંસદમાં વેલ સુધી ધસી ગયાં હતા અને આ દરમિયાન હોબાળો થયો, ભાજપે પણ કોંગ્રેસનો વિરોધ શરુ કર્યો હતો આ આ દરમિયાન આરોપ છે કે રાહુલ ગાંધીએ ધક્કામુક્કી કરી જેને કારણે બે ભાજપ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા હતા. સારંગીને વ્હીલ ચેર પર અને રાજપૂતને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બંને ઘાયલ સાંસદોને અહીંની ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજપૂતને આઈસીયુમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે
.
રાહુલ ગાંધીએ શું કહ્યું
ધક્કો મારવાના આરોપોને નકારી કાઢતા રાહુલે ગુરુવારે કહ્યું હતું કે શાસક પક્ષના સભ્યોએ વિપક્ષી સાંસદોને સંસદ ભવનમાં પ્રવેશતા અટકાવ્યા અને ધમકી આપી. તેમણે સંસદ પરિસરમાં પત્રકારોને કહ્યું, ‘હું સંસદની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ભાજપના સાંસદોએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો, મને ધક્કો માર્યો હતો અને ધમકી આપી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.