આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ગયો નથી. અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો સ્કૂલોમાં સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વગાડવામાં આવશે. આ સાથે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે 11થી સાંજે 5 સુધી બંધ રહેશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ, ગત વર્ષે સૂકા પવનોની અસરથી 26 માર્ચે અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઊંચકાયું છે. એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ છે. સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધી 40.4 નોંધાયું હતું.
શહેરમાં વહેલી સવારે પવનો ચાલુ રહેતાં સવારથી બપોરના 12.00 વાગ્યા સુધી લોકોએે ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ, બપોર પછી પવનની ગતિ ઘટી ગઇ હતી. લોકોએે બપોરથી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએે માથું ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે
મનપાનો હીટ એક્શન પ્લાન તૈયાર, સવારે 11થી સાંજે 5 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
બીઆરટીએસ, એએમટીએસમાં પાણી, ઓઆરએસ ઉપલબ્ધ કરાશે, ડ્રાઇવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે.
મોટા ડેપો પર ગ્રીન નેટ, કુલર, પંખાની સુવિધા ઉપલબ્ધ હશે.
શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે દોઢ કલાકે બેલ વગાડાશે, રેડ એલર્ટ દરમ્યાન શાળાના સમય બદલાશે
બગીચા સવારના 6થી રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે
ચારરસ્તા પર ગ્રીન નેટ બંધાશે
AMC સંચાલિત જનરલ હોસ્પિટલ તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ગરમીને લગતી બીમારી તેમજ હીટ સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા અલાયદી વ્યવસ્થા
ટ્રાફિક જંક્શન પર ગ્રીન નેટ બંધાશે, 11થી 5 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ. સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. તેમજ આંગણવાડી સેન્ટર પર ઓ.આર.એસ. ઉપલબ્ધ
જુદી જુદી સામાજિક સંસ્થાના સહયોગથી તમામ ઝોનમાં પાણીની પરબો શરૂ કરાશે
ટ્રાફિક પોલીસ વિભાગને ઓ.આર.એસ. પેકેટ્સ પુરા પડાશે
ગરમીમાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે
માર્ચથી જ ગરમીનો પ્રકોપ ચાલુ થઈ જતાં તેની અસરો ખાળવા માટે મ્યનિ.એ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. એપ્રિલથી જૂન દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી ઉપર ગયું હોય તેવા છેલ્લા 25 વર્ષમાં 290 દિવસ રહ્યા છે. જેમાં 2024માં 19 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. જ્યારે 2024માં 13 દિવસ તો રેડ એલર્ટ જાહેર કરાઈ હતી.
શહેરમાં ગરમી વધતાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. ગત એપ્રિલમાં 5014 વ્યક્તિના મૃત્યુ સામે મેમાં 5306 અને જૂનમાં 5292 મૃત્યુ નોંધાયા હતા. એટલે કે મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. જૂનમાં છેલ્લાં 25 વર્ષમાં મૃત્યુનું પ્રમાણ વધુ હતું..
