લિવ ઈનમાં રહેતી મહિલા કોઈ પણ રીતે તેના મેલ પાર્ટનર પર રેપનો આરોપ ન લગાવી શકે કારણ કે તે તેના સંબંધોને સારી રીતે સમજતી હોય છે. પૂર્વ આર્મી ઓફિસર સામેનો રેપનો કેસ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. હકીકતમાં આર્મી ઓફિસર સાથે 16 વર્ષથી સંબંધમાં રહ્યાં બાદ મહિલાએ તેમની સામે રેપનો કેસ કર્યો હતો.
16 વર્ષ સુધી સંબંધ રાખ્યો અને હવે રેપનો કેસ ન થઈ શકે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે કોઈ પણ મહિલા લગ્નના ખોટા વચન પર વિશ્વાસ કરશે અને 16 વર્ષ સુધી કોઈની સાથે સંબંધ રાખશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંમતિથી બનેલા સંબંધ અથવા લિવ-ઇન સંબંધનો કેસ છે જે બગડ્યો અને તેથી બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો.
સુપ્રીમે કેમ ફગાવ્યો રેપ કેસ
પૂર્વ આર્મી ઓફિસર પર બળાત્કારનો આરોપ લાગ્યો. તેના લિવ-ઇન પાર્ટનર, જે એક લેક્ચરર છે, તેણે કહ્યું કે તેણીએ લગ્નના વચન પર 16 વર્ષ સુધી તેની સાથે સંબંધ ચાલુ રાખ્યો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે મહિલાની દલીલ સ્વીકારી ન હતી અને પૂર્વ આર્મી ઓફિસર સામેનો કેસ ફગાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે તે બંને શિક્ષિત હતા અને આ સંબંધ તેમની સંમતિથી હતો. બંને અલગ અલગ શહેરોમાં પોસ્ટિંગ હોવા છતાં પણ એકબીજાના ઘરે જતા રહેતા હતા. કોર્ટે કહ્યું કે આ પ્રેમ સંબંધ કે લિવ-ઇન રિલેશનશિપનો કેસ છે જે ખરાબ થયો. એ માનવું મુશ્કેલ છે કે ફરિયાદી લગભગ 16 વર્ષ સુધી અપીલકર્તાની માંગણીઓ સામે ઝૂકી રહી અને ક્યારેય વિરોધ ન કર્યો કે અપીલકર્તા લગ્નના ખોટા વચનના બહાને તેનું જાતીય શોષણ કરી રહ્યો છે. 16 વર્ષ ઘણો લાંબો સમયગાળો ગણાય જે દરમિયાન તેમનો સંબંધ અવિરત ચાલતો રહ્યો અને તેથી સહેજે માની શકાય કે તેમના સંબંધમાં ક્યાંય પણ બળજબરી નહોતી. સુપ્રીમે કહ્યું કે આવા કિસ્સાઓમાં, જો એવું માની લેવામાં આવે કે ખોટું વચન આપવામાં આવ્યું હતું, તો પણ આટલા લાંબા સમય સુધી સંબંધ ચાલુ રહેવાને કારણે મહિલાની દલીલ નબળી પડી જાય છે. મહિલાએ કહ્યું કે તેણીને ગેરસમજ હતી કે આરોપી તેની સાથે લગ્ન કરશે, પરંતુ 16 વર્ષ સુધી કોઈ પણ પ્રશ્ન વગર સંબંધ ચાલુ રાખવાથી આ દલીલ નબળી પડે છે. આટલા લાંબા સમય સુધી ચૂપ રહેવું સમજની બહાર છે. જો ખરેખર વિશ્વાસઘાત થયો હોય, તો પછી આટલા વર્ષો સુધી આ સંબંધ કેમ ચાલુ રહ્યો? આ એક મોટો પ્રશ્ન છે.
