Pune Pub Controversy : હાલ દેશભરમાં નવા વર્ષની ઉજવણીને લઈ ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આવું જ એક આયોજન મહારાષ્ટ્રના પૂણેમાં કરવામાં આવ્યું છે. જોકે હવે તેને લઈ એક વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં પુણેના એક પબ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટી માટે આમંત્રિત લોકોને કોન્ડોમ અને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ORS) પેકેટ્સનું વિતરણ કર્યા પછી વિવાદ ફાટી નીકળ્યો છે. આ વસ્તુઓ પાર્ટીના મહેમાનોને 31 ડિસેમ્બરે હાઈ સ્પિરિટ પબ દ્વારા આયોજિત પાર્ટીના આમંત્રણો સાથે આપવામાં આવી હતી. પબના આ પગલાને લઈ મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસે પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારને ફરિયાદ કરી છે અને આ મામલાની નોંધ લેવાની માંગ કરી છે.
મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસે કરી ફરિયાદ
મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસના સભ્ય અક્ષય જૈને કહ્યું કે, અમે પબ અને નાઈટલાઈફના વિરોધમાં નથી. જોકે યુવાનોને આકર્ષવાની માર્કેટિંગ વ્યૂહરચના પુણે શહેરની પરંપરાઓ વિરુદ્ધ છે. અમે પોલીસ પાસેથી પબ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. જૈને જણાવ્યું હતું કે, આવી ક્રિયાઓ યુવાનોમાં ખોટો સંદેશો મોકલવાનું જોખમ ધરાવે છે, સંભવિતપણે ગેરસમજણોમાં વધારો કરે છે અને સમાજમાં અયોગ્ય ટેવોને પ્રોત્સાહન આપે છે.
પોલીસે શરૂ કરી તપાસ
આ તરફ ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી અને માલિકોના નિવેદનો નોંધ્યા હતા. જેમાં પબના માલિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોન્ડોમનું વિતરણ કરવું ગુનો નથી. પબે દાવો કર્યો હતો કે, આ વસ્તુઓનું વિતરણ કરવાનો હેતુ યુવાનોમાં જાગૃતિ લાવવાનો, સલામતીને પ્રોત્સાહન આપવાનો અને જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવાનો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે.