બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ 2024 પસાર થયું. તે આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની પર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરને પડકાર ફેંક્યો હતો કે તેઓ તેમના પર લગાવવામાં આવેલા આરોપો સાબિત કરે અથવા પદ પરથી રાજીનામું આપે.
ખડગેએ કહ્યું કે અનુરાગ ઠાકુરના આરોપોથી તેમની છબી ખરાબ થઈ છે. જો તેમના આરોપોમાં સત્ય હોય તો તેમણે પુરાવા રજૂ કરવા જોઈએ અથવા સાંસદ પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
તેમણે આગળ કહ્યું- જો અનુરાગ ઠાકુર સાબિત કરે કે તેમની પાસે અથવા તેમના પરિવારના કોઈપણ સભ્ય પાસે વક્ફ બોર્ડની 1 ઇંચ પણ જમીન છે, તો હું મારા પદ (રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા) પરથી રાજીનામું આપીશ.
હકીકતમાં, બુધવારે વક્ફ સુધારા બિલ પર બોલતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ખડગે પર કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કર્ણાટકમાં થયેલા કૌભાંડોમાં તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ સામેલ છે.
અનુરાગ ઠાકુરે ખડગેનું નામ લેતાની સાથે જ ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો. જોકે, હોબાળો વધતાં અનુરાગ ઠાકુરે ખડગેનું નામ પાછું ખેંચી લીધું. આ નિવેદન ગૃહના રેકોર્ડમાંથી પણ દૂર કરવામાં આવ્યું હતું.
આ પહેલા બુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. રાત્રે 2 વાગ્યે થયેલા મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288એ પક્ષમાં મતદાન કર્યું અને 232એ વિરોધમાં મતદાન કર્યું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને UMEED (યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) નામ આપ્યું છે. આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ ફાડી નાખ્યું. તેમણે કહ્યું- આ બિલનો હેતુ મુસ્લિમોને અપમાનિત કરવાનો છે. હું ગાંધીની જેમ વકફ બિલ ફાડી નાખું છું. બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વક્ફમાં બિન-ઇસ્લામિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ પણ નથી. વોટબેંક માટે લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે. બિલ પર ચર્ચા અને મતદાન પછી ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ગૃહ દ્વારા ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો.
