દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ મહોત્સવમાં ખાસ કરીને વન નેશન વન ઈલેકશન અને વડોદરાના યુવકે દોરી વગરના પતંગે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
96 પતંગબાજોએ પતંગમહોત્સવમાં ભાગ લીધો વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં જાપાન, કોરિયા ઈજીપ્ત, કોલમ્બિયા, ફ્રાંસ મોરેશિયસ, મેક્સિકો, ફિલિપાઇન્સ, રોમાનિયા સહિત 12 દેશોના 38 વિદેશી પતંગબાજો સાથે વડોદરા, ગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના 45 મળી કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇન આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગોએ નવલખી મેદાનને રંગી નાખ્યું હતું.
વન નેશન વન ઇલેક્શનનો પતંગ ઉડાવી સંદેશો આપ્યો આ સાથે વડોદરાના પ્રિન્સ પંચાલે બનાવેલા પતંગ દોરી વગર આકાશમાં ઉડાવી ખુબજ આકર્ષણ જમાવ્યું હતું. આ યુવકે F22 ફાઇટર પ્લેન રિમોટ કન્ટ્રોલ દ્વારા ઉડાવી સૌ કોઈને ચોકાવી દીધા હતા. સાથે તેઓની પાસે અવનવી વેરાઈટીની પણ વિવિધ પતંગો જોવા મળી હતી. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વન નેશન વન ઇલેક્શનનો પતંગ ઉડાવી સંદેશો આપ્યો હતો.
વિવિઘ દેશ અને રાજ્યોમાંથી પતંગબાજો આવ્યાં આ અંગે બાલકૃષ્ણ શુક્લ એ જનાવ્યું હતું કે, આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી કરવામાં આવી છે. ત્યારે આજે વડોદરા સહિત રાજ્યમાં અલગ અલગ છ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં પણ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. વિવિઘ દેશ અને રાજ્યોમાંથી પતંગબાજો આવ્યાં છે અને પોતાની કલાને પ્રસ્તુત કરી રહ્યાં છે. આ પ્રકારના આયોજનને લઈ રાજ્યના સરકાર અને વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છે. અહીં આવેલા પતંગબાજોને શહેરીજનો આવી આ કાર્યક્રમને નિહાળે તેવી અપીલ કરું છું.
એક દોરી પર 100 પતંગ ચગાવી આ સાથે આણંદથી આવેલા પાર્થ રાણાએ જણાવ્યું હતું કે, મારી પાસે આઠથી નવ પ્રકારની પતંગો છે. વર્ષ 2001થી અમે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યાં છીએ, આ એક સિરીઝ પતંગ છે. આમાં એક દોરી પર 100 પતંગ છે અને એનો વજન 10 કિલો હોય છે અને પવન વધે તો તેનો વજન પણ વધતો હોય છે.