ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે (23 માર્ચ, 2025) ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) વડોદરા શહેરમાં કુલ 41 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષામાં કુલ 8251 વિદ્યાર્થીઓ ત્રણ સેશનમાં પરીક્ષા આપશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ચકાસણી બાદ 9.30એ પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો.
પરીક્ષાને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામુ આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
પરીક્ષા કેન્દ્રના 100 મીટરમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ વડોદરા શહેરમાં જે-જે કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ)માં પરીક્ષા લેવાનાર છે, તે પરીક્ષા કેન્દ્રોના ખંડમાં સવારે 8 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. આ ઉપરાંત પરીક્ષામાં વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે સવારના 8 વાગ્યાથી આજે 6 વાગ્યા સુધી દરમિયાન ખોદકામ કરવું નહીં, એવું પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
ત્રણ સેશનમાં 8251 વિદ્યાર્થીની પરીક્ષા જો કે, પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે. આ સાથે વડોદરામાં ત્રણ સેશનમાં આ પરીક્ષા યોજવા જઈ રહી છે, જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે 5740, બાયોલોજી માટે 2379 અને મેથ્સ માટે 3388 મળી કુલ 8251 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
