દેશભરમાં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે આજે ધોરણ 10 અને 12ના 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ વખતે સીસીટીવી પોલીસીમાં બદલાવ લાવવામાં આવ્યો છે. 240 વિદ્યાર્થીઓ દીઠ એક સીસીટીવી મોનિટરિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં 9 કેન્દ્રો પર આજે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં સીબીએસસી પરીક્ષા માટે કુલ 9 કેન્દ્રો અને ધોરણ 10માં 4476 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 3697 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
10 વાગ્યા સુધી જ પ્રવેશ અપાયો સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાનો સમય સાથે જ રહેશે. સવારે 9 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને 10 વાગ્યા સુધી જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ દરમિયાન વિદ્યાર્થીને પારદર્શક પાણીની બોટલ, પાઉચ, રાઇટિંગ પેડ લઈને જવા દેવામાં આવ્યા હતા.
ખૂબ સારી તૈયારી કરી છેઃ કેનીશા પરીક્ષા આપવા આવેલ કેનીશા રાઠીએ જણાવ્યું હતું કે, હું ગ્લોબલ સ્કૂલ ડિસ્કવરીમાં અભ્યાસ કરું છું. આજે અમારે અંગ્રેજીનું પેપર છે અને મારું સેન્ટર અહીંયા આવ્યું છે. ખૂબ સારી તૈયારી કરી છે. ગઈકાલે અમે સેન્ટર જોવા માટે આવ્યા હતા, પરંતુ અમને અંદર જવા દેવામાં આવ્યા ન હતાં અને આજે આવવાનું કહ્યું હતું.
અહીં પાર્કિંગ સહિતની વ્યવસ્થા નથીઃ વાલી આ અંગે વિદ્યાર્થીના વાલી કૃપેશ શાહે જણાવ્યું હતું કે, હું મારી દીકરીને પરીક્ષા આપવવા માટે આવ્યો છું. હું છાણીથી અહીંયા આવ્યો છું. મારી દીકરીને પરીક્ષા છે અને અહીંયા આવવામાં થોડોક ટ્રાફિક નડ્યો છે. હરણી બ્રાઇટ ડે સ્કૂલમાં નંબર આવ્યો છે. અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. આ સાથે પરીક્ષા કેન્દ્ર પર મહત્તમ પોલીસ કર્મીઓ હોવા જોઈએ, જેની સાથે માત્ર એક મહિલા પોલીસકર્મી પરીક્ષા કેન્દ્ર પર જોવા મળી રહી છે.
