ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની સંભાવના છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલાં જ AAPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ જણાવ્યું છે કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ‘આપ’ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા ઉપર પસંદગી ઉતારી છે. વ્યવસાયે એડવોકેટ એવા ગોપાલભાઈ ઈટાલીયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેસેલો સડો દૂર કરવા ઘણાં વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાનામાં નાના માણસો પણ ગોપાલભાઈ ઈટાલીયાને ખુબ પ્રેમ કરે છે. ખેડૂતોને તેમનો હક અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ગોપાલ ઈટાલિયા ભજવી રહ્યાં છે.
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ ઈટાલીયાનું ગુજરાત વિધાનસભામાં આવવાથી શાસકોના પેટમાં અવશ્ય ફાળ પડશે. ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવેથી વિધાનસભામાં ગુંજશે તેવી આશા સમગ્ર ગુજરાતને છે. ગોપાલભાઈ ઈટાલીયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે તેવી આમ આદમી પાર્ટીને જ નહીં, સમગ્ર ગુજરાતની જનતાને આશા છે.
2022માં ભૂપત ભાયાણીની જીત થઈ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયા અને AAPના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જો કે ડિસેમ્બર, 2023માં તેમણે રાજીનામુ ધરી દેતા ફરી વિસાવદર બેઠક ખાલી પડી હતી.
બેઠક પર 50 ટકા લેઉવા પટેલ મતદારોનો સમાવેશ જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીંયાના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને તેમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકામાં એટલે કે 2014થી 2024 સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણી એમ કુલ 3 ધારાસભ્યોએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હોવાની ઘટના બનવા પામી છે. ત્યારે 10 વર્ષ બાદ ફરી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી સાથે સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે.
વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું?
- 1995 સ્વ. કેશુભાઈ પટેલ (ભાજપ)
- 1998 સ્વ. કેશુભાઈ પટેલ (ભાજપ)
- 2002 કનુભાઈ ભાલાળા (ભાજપ)
- 2007 કનુભાઈ ભાલાળા (ભાજપ)
- 2012 સ્વ. કેશુભાઈ પટેલ (જીપીપી)
- 2014 હર્ષદ રિબડિયા (કોંગ્રેસ)
- 2017 હર્ષદ રિબડિયા (કોંગ્રેસ)
- 2022 ભૂપત ભાયાણી (AAP)
