વોટ્સએપ પર હેકર્સ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 90 જેટલાં પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
મેટાએ આરોપ લગાવ્યો છે કે આ સાયબર હુમલામાં પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેર, જેને ગ્રેફાઇટ કહેવાય છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વોટ્સએપના માલિક મેટાએ જણાવ્યું હતું કે લગભગ 90 લોકો આ સાયબર હુમલાનો ભોગ બન્યા છે. જેમાં પત્રકારો અને અનેક અગ્રણી હસ્તીઓ હોવાનું કહેવાય છે. જોકે તેમની વિગતો જાહેર કરવામાં આવી નથી. સાયબર હુમલાખોરો તેમને શિકાર બનાવ્યા અને સંભવતઃ તેમના ડેટા સાથે ચેડા કર્યા હોવાની જાણકારી સામે આવી છે.
20 અલગ-અલગ દેશોના લોકો સામેલ
મેટાએ પુષ્ટિ કરતાં કહ્યું કે હુમલાખોરોએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. તેમાં ઘણા પત્રકારો અને અગ્રણી હસ્તીઓ સામેલ છે. કંપનીએ સ્વીકાર્યું કે આ લોકો 20 અલગ-અલગ દેશોમાંથી હતા.
ઝીરો ક્લિક એટેકના થયા શિકાર
પેરાગોન સોલ્યુશનમાંથી ગ્રેફાઇટ ખરેખર ઝીરો ક્લિક ટેકનિક પર કામ કરે છે. જેનો અર્થ એ છે કે તે ક્લિક કર્યા વિના ડિવાઈઝને ઍક્સેસ કરી શકે છે અને ડેટા હેક કરવાની ક્ષમતા ધરાવે છે. મોબાઇલ માલિકને આ હેકિંગ વિશે કોઈ ખબર પડતી નથી. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાંથી મળી છે.