Vadodara News Network

શપથગ્રહણની તારીખ નક્કી, પણ CMને લઈને સસ્પેન્સ:શિંદેની તબિયત બગડી, મુંબઈથી ડૉક્ટરોને ગામમાં મોકલાયા; ભાજપ ધારાસભ્ય દળની બેઠક મુલતવી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાને 7 દિવસ વીતી ગયા છે, પરંતુ CMને લઈને પેચ હજુ પણ ફસાયેલો છે. 5 ડિસેમ્બરે શપથગ્રહણ થવા જઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી તરીકે શપથ કોણ લેશે એ અંગે હજુ પણ સસ્પેન્સ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ સંભાળવા તૈયાર છે, પરંતુ ગૃહ મંત્રાલય પર અડગ છે. 29 નવેમ્બરે શિંદે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ મુંબઈ પરત ફર્યા હતા અને તમામ કાર્યક્રમો રદ કરીને તેમના ગામ સતારા જવા રવાના થયા હતા. ગામમાં તેમની તબિયત લથડી છે. મુંબઈથી ડોક્ટરોની ટીમ આવી પહોંચી છે.

દરમિયાન ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ બે દિવસ લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરે નક્કી થયેલી બેઠક હવે 3 ડિસેમ્બરે યોજાશે. આ દિવસે દિલ્હીથી બે નિરીક્ષક મુંબઈ આવશે અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ સત્તાવાર રીતે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે.

શિંદેએ ભાજપને ત્રણ વિકલ્પ આપ્યા અમિત શાહ સાથે એકનાથ શિંદેની અંતિમ વાતચીત સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સમાધાનની ફૉર્મ્યુલા ઑફર કરી છે, જેમાં તેમણે ત્રણ વિકલ્પ આપ્યા હતા, જેમાંથી ભાજપે એક રસ્તો પસંદ કરવાનો છે.

એકનાથ શિંદેનો પ્રથમ પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકનાથ શિંદેએ અમિત શાહ સમક્ષ પોતાની વાત મૂકી હતી કે વિધાનસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવી હતી, આથી મહિલા મતદારો, મરાઠાઓ અને અન્ય પછાત વર્ગોનો સહકાર મળ્યો. લાડલી બહેન યોજના, અનામતનો નિર્ણય, અને વિવિધ સમુદાયો મટે સહકારી સંસ્થાઓની રચનાના કારણે મહાયુતિની જીત થઈ હતી. જેથી તેમને ફરી મુખ્યમંત્રી બનાવવા જોઈએ.

શિંદેનો બીજો વિકલ્પ

એકનાથ શિંદેએ બીજો વિકલ્પ આપ્યો છે કે જો તેમને સીએમ બનાવવામાં ન આવે તો તેમને ગૃહ, નાણાં અને મહેસૂલ વિભાગ આપવામાં આવે. જો તેમને આ વિભાગો આપવામાં આવે અને ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં કોઈ વાંધો નથી અને રાજ્યમાં સત્તાનું સંતુલન પણ જળવાઈ રહેશે. તેમણે કહ્યું હતું કે તેમને ઉપમુખ્યમંત્રી પસંદ કરવાની સત્તા સોંપવામાં આવે.

ત્રીજી શરત

વધુમાં શિંદેએ ત્રીજી શરત રજૂ કરતાં કહ્યું હતું કે આ ત્રણેય વિભાગ શિવસેનાને સોંપવામાં નહીં આવે તો તેમનો પક્ષ સરકારનો હિસ્સો નહીં રહે. શિવસેના રાજ્યમાં બહારથી સમર્થન આપશે અને પક્ષના સાત લોકસભા સાંસદ પણ હિન્દુત્વ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારને બહારથી સમર્થન આપશે.

વાત ગૃહ અને નાણાં મંત્રાલય પર અટકી

શિંદે સરકારમાં ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું અને નાણાં મંત્રાલય અજિત પવાર પાસે હતું.
શિંદે સરકારમાં ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું અને નાણાં મંત્રાલય અજિત પવાર પાસે હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદ છોડવાના કિસ્સામાં શિવસેનાએ ગૃહ અને નાણાં મંત્રાલય પર દાવો કર્યો છે, જોકે ભાજપ ગૃહ અને અજિત પવાર નાણાં મંત્રાલય છોડવા માગતા નથી. શિવસેનાની દલીલ છે કે એકનાથ સરકારમાં ગૃહ મંત્રાલય નાયબ મુખ્યમંત્રી ફડણવીસ પાસે હતું. આ મુજબ જો શિંદે ડેપ્યુટી સીએમ બને છે તો તેમને ગૃહ મંત્રાલય મળવું જોઈએ.

શિવસેનાએ કહ્યું- શિંદે આજે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેશે આ દરમિયાન શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું- જ્યારે પણ શિંદેને કોઈ મોટો નિર્ણય લેવો હોય ત્યારે તેઓ તેમના વતન જાય છે. તેઓ આજે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેશે. અગાઉ શિરસાટે કહ્યું હતું કે મને નથી લાગતું કે શિંદે ડેપ્યુટી સીએમ પદ સ્વીકારશે.

શિવસેનાના કેટલાક નેતાઓનું કહેવું છે કે શિંદેના નેતૃત્વમાં મહાયુતિને આટલી મોટી જીત મળી છે, તેથી બિહારની જેમ તેઓ મુખ્યમંત્રી હોવા જોઈએ. બિહારમાં જેડીયુની બેઠકો ઓછી છે છતાં મુખ્યમંત્રી નીતિશ કુમાર છે તેમજ પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે શિંદેને ડેપ્યુટી સીએમ બનવું જોઈએ.

ડેપ્યુટી સીએમ પર શિવસેનામાં કોઈ સહમતી નથી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે શિંદેને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરી છે. પક્ષની દલીલ છે કે ફડણવીસ મુખ્યપ્રધાન હોવા છતાં શિંદે કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રી હતા, જ્યારે શિંદે અને તેમના નજીકના લોકો એને ડિમોશન તરીકે માની રહ્યા છે.

BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે

એવું માનવામાં આવે છે કે સીએમની પસંદગીમાં જાતિ અંકગણિત મોટી ભૂમિકા ભજવી શકે છે, કારણ કે 288 સીટવાળી વિધાનસભામાં મોટી સંખ્યામાં મરાઠા સમુદાયના ધારાસભ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ છે. આવી સ્થિતિમાં બીજેપી નેતૃત્વ પણ કેટલાક મરાઠા નેતાઓને સીએમ માટે વિચારી રહી છે. જોકે સૂત્રોનું માનીએ તો RSSનું દબાણ વધશે તો ફડણવીસ સીએમ બને એવી શક્યતા છે.

એક દિવસ પહેલાં ફડણવીસ, અજિત-શિંદે શાહને અઢી કલાક મળ્યા હતા.

28 નવેમ્બરની રાત્રે દિલ્હીમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લગભગ અઢી કલાક સુધી બેઠક કરી હતી. આ પહેલાં શિંદે અડધા કલાક સુધી એકલા શાહને મળ્યા હતા.

સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે હાઇકમાન્ડે શિંદેને કેન્દ્રમાં ડેપ્યુટી સીએમ અથવા મંત્રીપદની ઓફર કરી છે. જો શિંદે કેન્દ્રીય પ્રધાન બનવાનું નક્કી કરે છે તો તેમના જૂથમાંથી કોઈ અન્ય નેતાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજિત પવાર, NCP સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ ને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા.
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજિત પવાર, NCP સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ ને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા.

શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું…

ભાજપની શું મજબૂરી છે કે મોદી-શાહના આદેશ બાદ પણ પરિણામોના 8 દિવસ બાદ પણ નવી સરકાર અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. ભાજપ 132 ધારાસભ્યો સાથે બહુમતીની નજીક છે. મહાયુતિ પાસે 200ની ઉપર બહુમતી છે. કાર્યકારી સીએમ ગામડે જઈને બેઠા છે. કોણ બનશે નવા સીએમ? સરકાર ક્યારે શપથ લેશે? કોઈની પાસે કોઈ જવાબ નથી.

શિંદેએ 2 દિવસ પહેલાં કહ્યું હતું – મોદીનો દરેક નિર્ણય સ્વીકાર્ય

1. હું એક સામાન્ય માણસ છું, હું ખુદને ક્યારેય સીએમ નથી સમજતો એકનાથ શિંદેએ 27 નવેમ્બરે કહ્યું હતું કે ‘સામાન્ય માણસને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ હું સમજું છું. મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. મેં હંમેશાં સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. હું જોઈ રહ્યો છું કે પરિવાર કેવી રીતે ચાલે છે. મેં વિચાર્યું કે મને સત્તા મળશે ત્યારે હું જે લોકો પીડિત છે તેમના માટે યોજનાઓ લાવીશ.

2. હું તમારો લાડકો ભાઈ છું, આ લોકપ્રિયતા વધુ સારી શિંદેએ કહ્યું, ‘જ્યારે સીએમ હતા, જ્યારે લોકોને લાગતું હતું કે અમારી વચ્ચે એક મુખ્યમંત્રી છે. ઘર હોય, મંત્રાલય હોય, લોકો આવે અને મળે. મને જે ઓળખ મળી છે એ તમારા કારણે છે. મેં લોકપ્રિયતા માટે કામ નથી કર્યું, મેં મહારાષ્ટ્રના લોકો માટે કામ કર્યું છે. રાજ્યની બહેનો અને ભાઈઓ હવે ખુશ છે. બહેનોએ મને ટેકો આપ્યો અને મારું રક્ષણ કર્યું, હવે હું તેમનો વહાલો ભાઈ છું, આ ઓળખ સારી છે.

3. રાજ્યને આગળ વધારવા માટે કેન્દ્રનો સહયોગ જરૂરી એકનાથ શિંદેએ કહ્યું, ‘અમે અઢી વર્ષ સરકાર ચલાવી. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર હાજર રહી અને અમારી સાથે ઊભી રહી. અમારા દરેક પ્રસ્તાવને તેમનો ટેકો મળ્યો. રાજ્ય ચલાવવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ જરૂરી છે.

4. અમે અવરોધ નથી, આખી શિવસેનાને મોદીજીનો નિર્ણય સ્વીકાર્ય શિંદેએ કહ્યું, ‘મેં મોદીજી-શાહજીને બોલાવ્યા. મેં તેમને કહ્યું કે તમારો જે પણ નિર્ણય હશે એ અમે સ્વીકારીશું. ભાજપની બેઠકમાં તમારા ઉમેદવારની પસંદગી થશે, એ પણ અમને સ્વીકાર્ય છે. સરકાર રચવામાં કોઈ અડચણ નથી. સરકાર બનાવવા અંગે તમે જે પણ નિર્ણય લેવા માગો છો એ લો. શિવસેના અને મારા તરફથી કોઈ અવરોધ નથી.

5. મોદી-શાહ અઢી વર્ષ સુધી ખડકની જેમ સાથે રહ્યા તેમણે કહ્યું, ‘અમે અઢી વર્ષ સરકાર ચલાવી. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહે મારા જેવા કાર્યકરને મુખ્યમંત્રીપદની જવાબદારી આપી. બંને અઢી વર્ષ સુધી અમારી સાથે ખડકની જેમ ઊભા રહ્યા. મને કહ્યું કે તમે જનતા માટે કામ કરો અને અમે તમારી સાથે છીએ.

6. હું પોસ્ટ માટે ઝંખતો નથી, મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી એકનાથ શિંદેએ કહ્યું, ‘મને પદની કોઈ ઈચ્છા નથી. અમે લોકો સાથે લડતા નથી. અમે કામ કરતા લોકો છીએ. મેં પીએમ અને ગૃહમંત્રીને પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી, કોઈ ગુસ્સો નથી, કોઈ ગમ નથી. અહીં કોઈ મતભેદ નથી. એક સ્પીડબ્રેકર હતું, એ મહાવિકાસ આઘાડી હતું, એને હટાવી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતાઓનો ચૂંટણીપંચને પત્ર, 2 મોટી વાત…

  • જયરામ રમેશ, નાના પટોલે અને મુકુલ વાશ્નિકે ચૂંટણીપંચને પત્ર લખીને મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ કહ્યું – સાંજે 5 વાગ્યે, મહારાષ્ટ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી 58.22% હતી, વધુમાં ઉમેર્યું કે એ જ દિવસે રાત્રે 11:30 વાગ્યે, ટકાવારી 65.02% નોંધવામાં આવી હતી.
  • જુલાઈ 2024 અને નવેમ્બર 2024 વચ્ચે મહારાષ્ટ્રમાં અંદાજિત 47 લાખ નવા મતદારો મતદારયાદીમાં ઉમેરાયા હતા. કોંગ્રેસના નેતાઓએ દલીલ કરી હતી કે જ્યારે 50 વિધાનસભા મતવિસ્તારોમાં સરેરાશ 50,000 મતદારોનો વધારો થયો હતો, તેમાંથી 47 સત્તાધારી સરકાર અને તેના સાથી પક્ષોએ જીત મેળવી હતી.
Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved