નવી સરકાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના 13મા દિવસે ગુરુવારે શપથ લેશે. બીજેપી વિધાયક દળના નેતા દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે. ફડણવીસ 2014થી 2019 દરમિયાન પ્રથમ વખત સીએમ બન્યા હતા. 2019માં, તેઓ અજિત પવારની મદદથી સીએમ બન્યા, પરંતુ બે દિવસ પછી તેમને રાજીનામું આપવું પડ્યું. તેઓ અગાઉની એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે.
ફડણવીસની સાથે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP સુપ્રીમો અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. ફડણવીસ પછી શિંદે સીએમમાંથી ડેપ્યુટી સીએમ બનનારા બીજા નેતા છે. અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે. તેઓ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધનમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા ઉપરાંત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત 2 હજાર વીઆઈપીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:30 વાગ્યાથી થશે. રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન શપથ લેવડાવશે. 40 હજાર લોકો આવવાની સંભાવના છે.