શિયાળાની ઠંડીમાં હોઠ ફાટે નહીં એ માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લીપબામ ક્રીમનું વેચાણ કરતા કાપોદ્રાના બે વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લીપબામનો જથ્થો સીઝ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ, શેમ્પૂ, લિકવિડ સહિતની ચીજવસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી ચૂક્યું છે.
પોલીસે સર્વોપરિ સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા આ નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લીપબામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખસો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતાં પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી. પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરિ સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી 1,11,440 રૂપિયાની કિંમતનો જથ્થો મળ્યો હતો.
બ્રાન્ડેડ કંપનીનાં સ્ટિકર તથા લોગો મળ્યાં આ લીપબામ પર કુંદન બોલાશે, જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડનાં સ્ટિકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક્સપર્ટે એ ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછડિયા (રહે. સહજાનંદ હાઈટ્સ, સરથાણા)ની પૂછપરછમાં તે આ જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોરધન સોજીત્રા (રહે. શ્લોક રેસિડેન્સી, લસકાણા) પાસેથી લાવ્યાનું જણાવતાં ટીમ ત્યાં પહોંચી હતી.
પોલીસે 1.57 લાખની 790 ડુપ્લિકેટ ક્રીમની બોટલ કબજે કરી દુકાનમાંથી પણ વધુ 45,770 રૂપિયાના બનાવટી લીપબામનો જથ્થો મળ્તાં કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ 51, 63 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે કુલ 1.57 લાખની મતાની કુલ 790 ડુપ્લિકેટ નિવિયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.