Repo Rate : હોમ લોનધારકો માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. વાસ્તવમાં આર્થિક મોરચે ભારતીય રિઝર્વ બેંક આગામી દિવસોમાં વધુ રાહત આપી શકે છે. માર્ચ મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ઘટીને 3.34 પર આવી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી નીચું સ્તર છે. SBIના અહેવાલમાં જણાવાયું છે કે, ફુગાવામાં વધુ ઘટાડો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને RBI નાણાકીય વર્ષ 2025-26માં દરમાં લગભગ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.
સોમવારે SBIના અહેવાલમાં જણાવાયું છે કે, જૂન અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી RBIની બેઠકોમાં લગભગ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે જ્યારે નાણાકીય વર્ષ 2026ના બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
તો શું રેપો રેટમાં વધુ ઘટાડો શક્ય ?
નોંધનીય છે કે અગાઉ, RBI એ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જેમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચમાં ફુગાવાનો દર બહુ-વર્ષનો સૌથી નીચો રહ્યો છે અને ભવિષ્યમાં ફુગાવો સામાન્ય રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જૂન અને ઓગસ્ટમાં પોલિસી રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો શક્ય છે.
