કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે જેમને આવતા વર્ષે કેનેડા છોડવું પડી શકે છે. કારણ છે કે જેમની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે તેવા વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની રેખાઓ ખેંચાઈ રહી છે.
કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35%નો ઘટાડો કરવામાં આવશે અને 2025માં વધુ 10%નો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. આ પોલિસી ફેરફારોનો હેતુ વિદ્યાર્થીઓનું ભણવા આવવાનું અને તેમને રહેણાક પૂરું પાડવાના પડકારો વચ્ચે બેલેન્સ જાળવવાનો છે.
વિદેશી વિદ્યાર્થીઓને અસર થશે
મે 2023 સુધીમાં કેનેડામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 396,235 પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવે છે. આ સંખ્યા 2018 કરતાં ત્રણ ગણી વધારે છે. જો કે, મોટી સંખ્યામાં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આવતા વર્ષે પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેના કારણે કાયમી વસવાટની આશા રાખતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે. પંજાબના વિદ્યાર્થીઓએ પોલિસી ફેરફારોનો વિરોધ કરીને બ્રેમ્પટનમાં પ્રદર્શન કર્યું છે. તેઓ માને છે કે આ ફેરફારો કેનેડામાં રહેવાની અને કાયમી નિવાસ મેળવવાની તેમની તકોને અસર કરી રહ્યા છે.
મોટાભાગના ઇમિગ્રન્ટ્સ પરમિટ પૂર્ણ થયા પછી કેનેડા છોડી દેશે
કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ અપેક્ષા રાખે છે કે મોટાભાગના ઇમિગ્રન્ટ્સ તેમની પરમિટ પૂરી થયા પછી કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે 50 લાખ પરમિટની સમયસીમા પૂરી થઈ રહી છે, તેમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે જેમણે હાલમાં ટ્રુડો સરકારની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો છે.
ખોટા કાગળિયા કરીને કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓની કડક તપાસ થશે
હંગામી વર્ક પરમિટ સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. કેનેડામાં કાયમી રહેઠાણ માટે અરજી કરવા માટે જરૂરી અનુભવ મેળવવા માટે ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને આ વર્ક પરમિટ આપવામાં આવે છે. મિલરે કહ્યું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેથી, અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને ખોટા અરજદારોને બહાર કરીશું.
2025ના એન્ડ સુધીમાં લગભગ 50 લાખ લોકોએ દેશ છોડવો પડી શકે છે
જો કે ટ્રુડોના આ નિર્ણયનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. કન્જર્વેટિવ નેતા પિયરે પોલીવરે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરી છે, અને કહ્યું છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે મુશ્ક્લીઓ ઊભી થઈ છે અને તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો નથી. તેમણે એવું પણ કહ્યું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ લોકોને દેશ છોડવો પડી શકે છે.