ભારતીય શેરબજાર માટે આજે એટલે કે મંગળવાર, 4 માર્ચે પણ અમંગળના સંકેતો દેખાઈ રહ્યા છે. વધતા ટ્રેડ અને ટેરિફ વૉરની ચિંતાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં વેચવાલી બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી 50 ભારે ઘટાડા સાથે ખૂલ્યા. શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ અટક્યો નથી. મંગળવાર, 4 માર્ચના રોજ, BSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 268 પોઈન્ટના ઘટાડા સાથે 72817 પર ખુલ્યો. જ્યારે, NSEનો નિફ્ટી 144 પોઈન્ટ ઘટીને 21974 પર ખૂલ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફની જાહેરાત કર્યા પછી એશિયન બજારોમાં ભારે ઘટાડો નોંધાયો જ્યારે અમેરિકન શેરબજાર તીવ્ર ઘટાડા સાથે બંધ થયું. સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો થયો અને BSE સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટ્યો. આ સાથે, સતત પાંચ મહિના સુધી 29 વર્ષના રેકોર્ડબ્રેક ઘટાડા પછી, છઠ્ઠા મહિનાનું ખાતું પણ ઘટાડા સાથે ખુલ્યું. 2025 માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ દરરોજ સરેરાશ 2700 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.
ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે નિફ્ટી 26277.35 ની ટોચે પહોંચ્યો હતો, ત્યાંથી ઇન્ડેક્સ 4273 પોઈન્ટ એટલે કે 16 ટકા ઘટી ચૂક્યો છે. જ્યારે સેન્સેક્સ 85,978.25 પોઈન્ટની ટોચથી 13200 પોઈન્ટ એટલે કે 15 ટકા ઘટી ચૂક્યો છે.
ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ વોલ સ્ટ્રીટમાં રાતોરાત થયેલા ઘટાડાને પગલે મંગળવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.03 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.61 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.41 ટકા અને કોસ્ડેક 1.43 ટકા ઘટ્યા. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા ઓપનિંગ તરફ ઈશારો કર્યો. ગિફ્ટ નિફ્ટી 22,100 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 160 પોઈન્ટ ઓછો છે.
વોલ સ્ટ્રીટની સ્થિતિ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી સોમવારે વોલ સ્ટ્રીટ પર યુએસ શેરબજારો તીવ્ર ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 649.67 પોઈન્ટ અથવા 1.48 ટકા ઘટીને 43,191.24 પર બંધ થયો. જ્યારે, S&P 500 104.78 પોઈન્ટ અથવા 1.76 ટકા ઘટીને 5,849.72 પર બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 497.09 પોઈન્ટ અથવા 2.64 ટકા ઘટીને 18,350.19 પર બંધ થયો.
