Sensex Closing Bell: અઠવાડિયાનો ટ્રેડિંગનો છેલ્લો દિવસ ફરી એકવાર બજાર માટે ઉત્સાહજનક સાબિત થયો છે. ગુરુવારે 30 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 1508.91 (1.96%) પોઈન્ટ વધીને 78,553.20 પર બંધ થયો છે. બીજી તરફ 50 શેરોવાળો NSE નિફ્ટી 414.45 (1.77%) પોઈન્ટ વધીને 23,851.65 પર બંધ થયો છે.
બજાર નિષ્ણાતોના મતે રોકાણકારો આ સમયે મોટા, સ્થિર અને સસ્તા મૂલ્યાંકનવાળા બેંકિંગ શેરો તરફ વળી રહ્યા છે. ICICI બેંક અને HDFC બેંક જેવી કંપનીઓ 19 એપ્રિલે તેમના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. આ પહેલા રોકાણકારોનો રસ આ શેરોમાં જોવા મળી રહ્યો છે. માર્કેટના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, “બેંક નિફ્ટીએ સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. આ દેશના મજબૂત મેક્રોઇકોનોમિક વાતાવરણમાં રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.” અન્ય નિષણાંતોએ જણાવ્યું હતું કે, “રોકાણકારો એવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે જે સ્થાનિક માંગ પર આધારિત છે – જેમ કે બેંકિંગ, ટેલિકોમ, એવિએશન, સિમેન્ટ અને ઓટો ક્ષેત્ર.”
