શહેરના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ જુલાઇ, 2024માં દિવાલનો ભાગ ધરાશાયી થવાની ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. જોકે, ટ્રસ્ટીઓના આંતરીક ડખા હોવાના કારણે બંધ રખાયેલી સ્કૂલનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. જોકે, વિદ્યાર્થીઓ-શિક્ષકોને અન્ય શાળામાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્થળાંતર કરવામાં આવેલી સ્કૂલમાં સુવિધાઓનો અભાવ હોવાનું કારણ રજૂ કરી સ્કૂલ પુનઃ શરૂ કરવા માંગ કરી રહ્યા છે. આજે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોસ્ટરો સાથે ધરણાં -દેખાવો કરી સ્કૂલ શરૂ કરવા માગ કરી હતી.
અમે બધી ઓફિસોમાં જઇને થાકી ગયાઃ બિશીતાબેન ધરણાં-પ્રદર્શન ઉપર બેઠેલા વાલીઓ પૈકી બિશીતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, શાળા ચાલુ કરે તેવી અમારી માગ છે. તેમને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. અમે એક સ્કૂલથી બીજી સ્કૂલ કરીને થાકી ગયા છીએ. અમે બધી ઓફિસોમાં જઇને થાકી ગયા છીએ. આનો કોઇ નિર્ણય આવતો નથી. આજે આખરે અમે શાળાના વિદ્યાર્થીઓને અહિંયા બેસાડ્યા છે. સ્કૂલના શિક્ષકો પણ અમને સમર્થન કરી રહ્યા છે. દર થોડા દિવસે અલગ-અલગ ટાઇમ આપવામાં આવે છે. હવે પરીક્ષા આવી રહી છે, તમે અમારા સંતાનોના ભવિષ્યનું તો વિચારો..!
ટ્રસ્ટીઓ આંતરિક વિખવાદમાં પડ્યા અન્ય વાલીઓએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓને કોઇ ફરક પડતો નથી. તેઓ આંતરિક વિખવાદમાં પડ્યા છે. તેઓ 2000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે. આના માટે અમે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. આ લોકોને બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તેમના પેટનું પાણી હાલતું નથી.
સ્કૂલ શરૂ કરવા ખાતરી આપે, પણ કરતા નથીઃ વિદ્યાર્થી વિદ્યાર્થીનું કહેવું છે કે, અમારી સ્કૂલ શરૂ થાય તે માટે અમારા મમ્મી-પપ્પાએ ટ્રસ્ટીઓ સાથે વારંવાર મિટિંગ કરી છે. તેમણે સ્કૂલ શરૂ કરવા ખાતરી આપી છે, પરંતુ શરૂ કરતા નથી. કેમ અમારા ભવિષ્ય બગાડો છો? કેમ અમારી કારકીર્દિ બગાડો છો ? તમારા અંદરો-અંદરના ઝઘડાના કારણે બાળકોનું બલિદાન અપાઇ રહ્યું છે.
શિક્ષકો પણ વાલી-વિદ્યાર્થીના સમર્થનમાં શિક્ષકોનું કહેવું છે કે, બીજી સ્કૂલોમાં શિક્ષકોને બહાર બેસાડે છે, ત્યાં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આ જ જગ્યાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સારૂ છે. વિદ્યાર્થીઓને અન્યત્ર જવું નથી, ટ્રસ્ટીઓ કોઇ જવાબ આપતા નથી. આજે વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે, તો અમે તેમના સમર્થનમાં અહિંયા બેઠા છીએ.
વિવિધ લખાણ સાથેના બિનર વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં પોસ્ટર રાખ્યા છે. જેમાં એકથી એક અણિયારા સવાલો સ્કૂલના સંચાલકોને પૂછવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખાયું છે કે, એક નિર્ણય અનેક ભવિષ્ય, શું અમને આ શાળામાં ભણવાનો અધિકાર નથી?, અમારા બાળકોના ભવિષ્યને બગાડીને ખુશ છો તમે?, અમારો શું વાંક, ટ્રસ્ટીઓ સાથે લડીશું, બાળકોનું ભવિષ્ય બચાવીશું. અમેરિકામાં એક બાળક માટે શરૂ કરે છે શાળા, અહિંયા 2 હજાર બાળકોની બંધ કરે છે શાળા, વાહ ટ્રસ્ટીઓ વાહ.
