વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે 28 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થવાની છે. જેમાં રમવા માટે ઇન્ડિયા માસ્ટર્સ ટીમ વડોદરાના તાજ વિવાંતા હોટલમાં રોકાઈ છે. સચિન તેંડુલકર અને ઇરફાન પઠાણ સહિતના સ્ટાર ખેલાડીઓ આવી ચુક્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે હોટલ તાજ વિવાંતામાં ગુજરાતી ભોજનની જયાફત માણી હતી. આ ઉપરાંત અન્ય ક્રિકેટરોએ પંજાબીની સાથે સાથે ગુજરાતી ભોજનનો સ્વાદ પણ ચાખ્યો હતો.
સચિન તેંડુલકરે ગુજરાતી ભોજનની જયાફત માણી 28 ફેબ્રુઆરીના રોજ કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે વડોદરાની પ્રથમ મેચ રમાશે. ત્યાર બાદ 1 માર્ચના રોજ ઇન્ડિયા માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે બીજી મેચ યોજાશે. જેના માટે સચિન તેંડુલકર, ઇરફાન પઠાણ, ધવલ કુલકર્ણી અને નમન ઓઝા સહિતના ક્રિકટર ગઇકાલે વડોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યારે યુવરાજસિંહ અને યુસુફ પઠાણ સહિતના કેટલાક ક્રિકેટર આજે વડોદરા આવશે. વડોદરા આવેલા ઇન્ડિયન માસ્ટર્સ ટીમના કેટલાક ખેલાડીઓએ ગુજરાતી ભોજન ખાવાનું પસંદ કર્યું હતું. જેમાં ખાસ કરીને સચિન તેંડુલકરે પોતાના રૂમમાં જ ભોજન મંગાવ્યું હતું. સચિન તેંડુલકરે પોતાના માટે ગુજરાતી ભોજનનો ઓર્ડર કર્યો હતો અને પોતાના રૂમમાં જ તેઓ જમ્યા હતા. સચિન તેંડુલકરે પોતાની રૂમમાંથી બહાર નિકળવાનું ટાળ્યું હતું.
ઇરફાન પઠાણ તો પોતાના ઘરનું ભોજન જમ્યા હતા સચિન તેંડુલકર કઢી-ખીચડી, રીંગણનો ઓળો, સેવ-ટામેટા, રોટલી અને ઘી-ગોળ જમ્યા હતા. તો ઇરફાન પઠાણ તો પોતાના ઘરે પહોંચી ગયા હતા અને ઘરનું ભોજન જમ્યા હતા. આ ઉપરાંત અન્ય ક્રિકટરોએ પંજાબી અને ગુજરાતી ભોજન લીધુ હતું. ઇન્ડિયા માસ્ટર્સની સાથે સાથે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ પણ હાલ તાજ વિવાંતા હોટલમાં રોકાઇ છે. આ ઉપરાંત આજે રાત્રે 8:30 વાગ્યાની મુંબઇની ફ્લાઇટથી સાઉથ આફ્રિકા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સની ટીમ પણ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચશે. આ બંને ટીમો વડોદરાની શહેરની સયાજી હોટલમાં રોકાણ કરશે.
હોટેલમાં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ ક્રિકેટરોની સુરક્ષા માટે હોટલ તાજ વિવાંતા બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટેલમાં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલથી કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.
28 ફેબ્રુઆરીથી કોટંબી સ્ટેડિયમમાં મેચો શરૂ થશે 22 ફેબ્રૂઆરીથી આ લીગની શરૂઆત મુંબઇમાં થઈ છે અને 28 ફેબ્રુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મેચો શરૂ થશે, જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાશે. જેમાં સચિન તેડુંલકર, યુવરાજસિંગ, ઈસુ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમશે. આ ઉપરાંત ગર્વનિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે.
દિગ્ગજ ખેલાડીઓ ફરી એકવાર ક્રીઝ પર જોવા મળશે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.
IMLની વડોદરાની મેચોનું શિડ્યુલ
- 28 ફેબ્રુઆરી- શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા
- 1 માર્ચ- ભારત અને સાઉથ આફ્રિકા
- 3 માર્ચ- સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ
- 5 માર્ચ- ભારત અને ઓસ્ટ્રેલિયા
- 6 માર્ચ- શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ
- 7 માર્ચ- ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા
