વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોય્ઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ ‘હાય રે મેનેજમેન્ટ હાય હાય’ના નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક અહીંયા બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા હતા.
આ અંગે ચિરાગ ગોરડિયાએ જણાવ્યું હતું કે, અહીંયા 400થી 500 વિદ્યાર્થીઓના મેરીટ આધારે એડમિશન આપવામાં આવે છે. આજે જમવામાં જીવાત નીકળી છે. આ પહેલીવાર નથી અગાઉ પણ અનેકવાર આવા પ્રોબ્લેમનો સામનો કરતા આવ્યા છે. અહીંયા ન તો ક્વોલિટી હોય છે કે ન હાઈજિન હોય છે.
અહીં છેલ્લા એક મહિનાથી ટાઈમ પર પાણી નથી મળતું. વધુમાં કહ્યું કે; સમરસ વિદ્યાર્થીઓને કોલેજમાં જવું હોય તો જઈ શકતા નથી. આપણી પ્રાથમિક જરૂરિયાત પાણી અને જમવાનું છે છતાં આ પણ તે મળતું નથી. જ્યાં સુધી મેનેજમેન્ટ અહીંયા નહીં આવે ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ હલશે નહીં. આજે વિદ્યાર્થી જેવો જમવા બેઠો તેમાં જોયું તો બે જીવડાં દેખાયા હતા.વધુમાં કહ્યું કે, આ પ્રકારનું મેનેજમેન્ટ છે. અનેકવાર આ બાબતે રજૂઆત કરી છે. અત્યારે જો મેનેજમેન્ટ અહીં નહીં આવે તો એકપણ વિદ્યાર્થી અહીંથી હલશે નહીં.
