ચોમાસા પહેલાં શહેરનાં તળાવો 30 લાખના ખર્ચે ખાલી કરવાનું આયોજન કરાયું છે. 29 તળાવોમાંથી 50 ટકા પાણી ઓછું કરી 109 કરોડ લિટર જથ્થો ખાલી કરાશે. એક તળાવ ખાલી કરવા માટે દોઢ લાખનો ડીઝલનો ખર્ચો થશે. શહેરમાં ચોમાસામાં વિશ્વામિત્રીમાં પૂર આવતાં ભારે તરાજી સર્જાઇ હતી. જેને પગલે રાજ્ય સરકારે 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. જોકે પ્રોજેક્ટમાં વિલંબ થાય તેમ હોવાથી કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસા પૂર્વે શહેરનાં 29 તળાવો 50 ટકાથી વધુ ખાલી કરવાની કામગીરી શરૂ કરાવી છે. તળાવોમાં પંપો મૂકીને નજીકમાં વરસાદી ગટર કે કાંસમાં તળાવનાં પાણી ઠાલવવામાં આવી રહ્યાં છે. હાલમાં 29 તળાવોમાં કુલ 218 કરોડ લિટર પાણીનો જથ્થો છે, જેમાંથી 50 ટકા પાણીનો જથ્થો ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિશ્વામિત્રી કે વરસાદી કાંસમાં જ્યાં પાણી રોકાતાં હોય તેવી જગ્યા શોધી પાણીનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. શહેરનાં 29 તળાવો ગત ચોમાસામાં છલકાયાં હતાં. જેમાં આજે પણ પાણી ભરાયેલાં રહ્યાં છે. આગામી ચોમાસામાં ભારે વરસાદ પડે તો ફરી છલકાય નહીં તેને ધ્યાનમાં રાખી તળાવોનાં પાણી ખાલી કરાવવાનું અગાઉ વિચાર્યું હતું. એક તળાવમાં અંદાજે દોઢ લાખના ડીઝલનો ખર્ચ થશે. 29 તળાવો ખાલી કરાવવાનાં હોવાથી 28 થી 30 લાખ ખર્ચ થશે. જેટલું પાણી ખાલી થશે, તેની સામે આગામી ચોમાસામાં ફરી એટલું જ પાણી વરસતાં તળાવોમાં સંગ્રહ થઈ શકશે.
1200 કરોડ ફાળવાયા છતાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિલંબ
સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1200 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. જોકે વિશ્વામિત્રી પ્રોજેક્ટના રિપોર્ટ બાદ સિંચાઈ વિભાગ પ્રમાણે ફરી ટેન્ડર પ્રક્રિયા કરવાનું નક્કી થતાં તેમાં પણ વધુ ભાવ આવ્યો છે. જેથી પ્રોજેક્ટ વિલંબમાં પડશે, પરંતુ તે અગાઉ કોર્પોરેશને કામ શરૂ કરાવી દીધું છે.
કયાં તળાવોમાંથી પાણી ખાલી કરાશે?
} સમા તળાવ
} કાશી વિશ્વનાથ
} કમલાનગર
} એલ એન્ડ ટી
} ખોડિયારનગર
} એરફોર્સ
}નાની-મોટી બાપોદ
} પટેલ પાર્ક
} અંજતા સરસિયા
} ગોરવા
} બોરિયા
} કરોડિયા
} ઉંડેરા લક્ષ્મીપુરા
} ગોત્રી
} વાસણા
} ભાયલી
} તાંદલજા
} દશામા
} સુભાનપુરા
} અટલાદરા
} કલાલી ગામ
} બીલ ગામ
} તરસાલી
} કપુરાઈ
} ઘાઘરેટિયા
} દંતેશ્વર
} માંજલપુર
