ભાવનગર જિલ્લાના સિહોર શહેરની જી.આઇ.ડી.સી.માં આવેલી એક ફેક્ટરીમાં આજે સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા ચાર કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ થયેલા તમામ કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે
સલામતીની ગંભીર અવગણના આ ઘટના સિહોર જીઆઇડીસી વિસ્તારમાં સલામતીના ધોરણોની ગંભીર અવગણનાને ઉજાગર કરે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા માટે જરૂરી સલામતી સાધનો અને પ્રોટોકોલ્સનો અભાવ જોવા મળે છે, જેના કારણે મોટેભાગે ગરીબ શ્રમિકોને આવી દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે.
