ભારતીયો માટે US વિઝાનો સમય ઘટાડવા માટે અમેરિકા પગલાં લેશે. અમેરિકા જાન્યુઆરી 2025માં ભારતના બેંગલુરુમાં કોન્સ્યુલેટ ખોલવાની તેની પ્રતિબદ્ધતા પર કામ કરી રહ્યું છે. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ આ મહત્ત્વની જાહેરાત કરી છે. નવું કોન્સ્યુલેટ ખોલવાથી ભારતીયો માટે વિઝા રાહ જોવાનો સમય ઓછો થવાની અપેક્ષા છે. અમેરિકાએ અગાઉ કહ્યું હતું કે તે બેંગલુરુ અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ ખોલશે. કોન્સ્યુલેટ ખૂલવાથી હજારો વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે વિઝા અરજી પ્રક્રિયા સરળ બનશે, ખાસ કરીને ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર અને સહકારને વધારવા અને વાણિજ્ય અને ટેકનોલોજી માટે વૈશ્વિક હબ તરીકે બેંગલુરુની સ્થિતિ મજબૂત થવાની ધારણા છે.
નવા વિઝા માટે એપોઇન્ટમેન્ટના નિયમો શું છે?
માહિતી મુજબ, 1 જાન્યુઆરી, 2025 થી, ભારતમાં યુએસ એમ્બેસી નોન-ઇમિગ્રન્ટ વિઝા એપોઇન્ટમેન્ટ માટે શેડ્યુલિંગ અને રિશેડ્યુલિંગ માટે નવા નિયમો લાગુ કરશે. અરજદારોને વધારાના શુલ્ક વિના એકવાર તેમની એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, જો રિશેડ્યુલ કરેલી એપોઇન્ટમેન્ટ ચૂકી જવા પર અથવા બીજા રિશેડ્યુલની જરૂર પડવા પર, નવી એપોઇન્ટમેન્ટ બુક કરવી પડશે અને ફરીથી અરજી ફી ચૂકવવી પડશે. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે, “આ ફેરફારો દરેક માટે એપોઇન્ટમેન્ટ મેળવવાનું સરળ અને ઝડપી બનાવશે. પ્રક્રિયાને દરેક માટે કાર્યક્ષમ અને ન્યાયી રાખવા અમે અરજદારોને તેમની સુનિશ્ચિત એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવા પ્રોત્સાહિત કરીએ છીએ.”
વિલંબ ઘટાડવાના પ્રયાસો છતાં ભારતીય અરજદારો માટે યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવાનો સમય લાંબો રહે છે. અત્યાર સુધી, B1/B2 વિઝિટર વિઝા મેળવવા માંગતા અરજદારોને વાણિજ્ય દૂતાવાસમાં અલગ-અલગ વેઇટિંગ પીરિયડનો સામનો કરવો પડે છે. મુંબઈમાં 438 કેલેન્ડર દિવસો, ચેન્નઈમાં 479 કેલેન્ડર દિવસો, દિલ્હીમાં 441 કેલેન્ડર દિવસો, કોલકાતામાં તે 436 કેલેન્ડર દિવસો અને હૈદરાબાદમાં 429 કેલેન્ડર દિવસોનો વેઇટિંગ પીરિયડ રહે છે.
જયારે વિઝિટર વિઝા માટે ઇન્ટરવ્યુ મુક્તિ માટે પાત્ર અરજદારો માટે પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે. દિલ્હીમાં રાહ જોવાનો સમય 21 દિવસનો છે અને કોલકાતામાં તે બે દિવસનો છે. જે લોકો ત્રીજા દેશના નાગરિકો તરીકે અરજી કરી રહ્યા છે – જે લોકો તેમના દેશની બહારના કોન્સ્યુલેટમાંથી યુએસ વિઝા મેળવવા માંગતા હોય – તેમના માટે પણ રાહ જોવાનો સમય ઘણો લાંબો છે. અબુ ધાબીમાં તે 388 દિવસ અને દુબઈમાં તે 351 દિવસ છે. 2023 માં, અમેરિકાએ ભારતીય અરજદારો માટે રેકોર્ડ 1.4 મિલિયન (14 લાખ) વિઝા પ્રોસેસ કર્યા હતા, જેનાથી વિઝિટર વિઝાના વેઇટિંગ પીરિયડમાં 75 ટકા ઘટાડો થયો છે. જો કે, માંગ ફરી વધી છે, જેનાથી વિઝા સિસ્ટમ માટે પડકારો ઉભા થયા છે.