GST Council Meeting: GST કાઉન્સિલની 56મી બેઠક 3 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને 4 સપ્ટેમ્બર 2025 સુધી ચાલવાની છે. 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી બેઠકમાં સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આજે પણ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.
સરકાર રિયલ એસ્ટેટ સેક્ટર પર GST માળખામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આમાં રેડી-ટુ-મૂવ અને અંડર કન્સ્ટ્રકશન બંને પ્રકારના ઘરો પર લાગતા ટેક્સને લઈને મહત્ત્વના નિર્ણયો લેવાઈ શકે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે રેડી-ટુ-મૂવ અને અંડર કન્સ્ટ્રકશન ઘરો પર કેટલો GST લાગે છે? આ અંગે મળતી માહિતી પ્રમાણે, હાલમાં નિયમ એ છે કે રેડી-ટુ-મૂવ ફ્લેટ પર કોઈ GST વસૂલવામાં આવતો નથી.
- સામાન્ય રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ પર 5% GST લાગે છે, જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિનાના ફ્લેટની ગણતરી થાય છે.
- જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ પર ફક્ત 1% GST વસૂલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 45 લાખ સુધીના ઘરને અફોર્ડેબલ કેટેગરીમાં માનવામાં આવે છે.
રેડી-ટુ-મૂવ ફ્લેટ પર હાલમાં 0% GST લાગે છે. ખાસ વાત એ છે કે પહેલાથી બનેલા અને રજીસ્ટર્ડ ઘર પર કોઈ GST નથી લાગતો.
હવે જણાવી દઈએ કે માત્ર ઘર ખરીદવા પર જ નહીં, પરંતુ બાંધકામમાં વપરાતી સામગ્રી પર પણ ભારે GST લાગે છે. જેમ કે હાલમાં સિમેન્ટ પર 28% GST લાગે છે અને સળિયા અને સ્ટીલ પર 18% GST છે. પ્લાયવુડ, ટાઇલ્સ અને પેઇન્ટ પર પણ 18% ટેક્સ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિકલ ફિટિંગ, સેનિટરી વેર અને હાર્ડવેર જેવી વસ્તુઓ પર 18% સુધીનો GST ચૂકવવો પડે છે. આ જ કારણ છે કે ઘર બનાવવાનો કુલ ખર્ચ વધી જાય છે.
