કેન્દ્ર સરકારે બુધવારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ હેઠળ ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિમી) અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી (12.4 કિમી) સુધીના રોપવે પ્રોજેક્ટ – પર્વતમાલા પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિમી) સુધીના 12.9 કિમી રોપવે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડ પર વિકસાવવામાં આવશે અને તેનો કુલ ખર્ચ રૂ. 4,081.28 કરોડ થશે.
તે સૌથી અદ્યતન ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (3S) ટેકનોલોજી પર આધારિત હશે. તેની ડિઝાઇન ક્ષમતા પ્રતિ કલાક પ્રતિ દિશા (PPHPD) 1,800 મુસાફરોની હશે, જે દરરોજ 18,000 મુસાફરોનું વહન કરશે. આ રોપવે પ્રોજેક્ટ કેદારનાથની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે એક વરદાન બનશે કારણ કે તે પર્યાવરણને અનુકૂળ, આરામદાયક અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને એક દિશામાં મુસાફરીનો સમય લગભગ 8 થી 9 કલાકથી ઘટાડીને લગભગ 36 મિનિટ કરશે.
કેદારનાથ મંદિર સુધીની યાત્રા ગૌરીકુંડથી 16 કિમીની પડકારજનક ચઢાણ છે અને હાલમાં તે પગપાળા અથવા ટટ્ટુ, પાલખી અને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવે છે. રોપવે મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓને સુવિધા પૂરી પાડવા અને સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠકમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ જી સુધીના 12.4 કિલોમીટરના રોપવે પ્રોજેક્ટના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 2,730.13 કરોડ થશે. હાલમાં હેમકુંડ સાહિબજીની યાત્રા ગોવિંદઘાટથી 21 કિલોમીટરની પડકારજનક ચઢાણ છે. આ રોપવે પ્રોજેક્ટ ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબ જી વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.
તે પ્રતિ કલાક પ્રતિ દિશા (PPHPD) 1,100મુસાફરોની ક્ષમતા ધરાવતું અને દરરોજ 1,1000 મુસાફરોને વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે. હેમકુંડ સાહિબ જી ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં 1,5000ફૂટની ઊંચાઈ પર સ્થિત એક તીર્થસ્થળ છે. આ પવિત્ર સ્થળ પર સ્થાપિત ગુરુદ્વારા મે થી સપ્ટેમ્બર દરમિયાન વર્ષમાં લગભગ 5 મહિના ખુલ્લું રહે છે અને દર વર્ષે લગભગ 1.5 થી 2 લાખ યાત્રાળુઓ અહીં આવે છે.
