ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAI એ ટેરિફ નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે સરકારી અને ખાનગી ટેલિકોમ કંપનીઓએ યુઝર્સને કૉલ અને એસએમએસ માટે પણ ખાસ પ્લાન આપવા પડશે. જેના કારણે હવે કરોડો યુઝર્સને સીધો ફાયદો થશે. આ ફીચર એવા ગ્રાહકો માટે ખૂબ જ મદદરૂપ થશે જેઓ માત્ર કોલ અને મેસેજનો ઉપયોગ કરે છે અને જેમને ડેટાની જરૂર નથી.
નવા નિયમોમાં શું બદલાવ આવ્યો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ટેલિકોમ કંપનીઓએ યુઝર્સને ઓછામાં ઓછું એક સ્પેશિયલ ટેરિફ વાઉચર આપવું પડશે, જે માત્ર વૉઇસ કૉલ્સ અને SMS સેવાઓ માટે જ હશે. આ ખાસ પ્લાનની વેલિડિટી 365 દિવસ સુધીની હોઈ શકે છે. સ્પેશિયલ રિચાર્જ કૂપનની ટાઇમલાઇન, જે અગાઉ 90 દિવસ સુધી મર્યાદિત હતી, તે હવે વધારીને 365 દિવસ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, ટેલિકોમ કંપનીઓ કોઈપણ રકમના સ્પેશિયલ રિચાર્જ વાઉચર જારી કરી શકે છે, પરંતુ તેમણે ઓછામાં ઓછા 10 રૂપિયાના વાઉચર પણ જારી કરવા પડશે.
હવે ગ્રાહકોએ ફક્ત તે જ સેવાઓ માટે પૈસા આપવા પડશે જેનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. આ ફેરફાર વરિષ્ઠ નાગરિકો અને જેઓ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ આનાથી એવા લોકોને પણ ફાયદો થશે, જેમની પાસે ઘરમાં બ્રોડબેન્ડ કનેક્શન છે.