એક ગુજરાતી કહેવત છે કે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો! આ કહેવત હાથીના કિંમતી દાંતના કારણે પડી હોવાનું મનાય છે, પરંતુ માણસ તો હાથી કરતા અનેક અમૂલ્ય અંગો ધરાવે છે. જો માણસ ધારે તો પોતાના મૃત શરીરમાં રહેલા અંગોના દાનથી એક સાથે સાત વ્યક્તિના બુઝાઈ રહેલા દીપકને પુન: ઝગમગતો કરી શકે છે. આજે આ કહેવતને સાર્થક કરી છે વડોદરામાં રહેતાં અને બ્રેઇનડેડ જાહેર થયેલા દર્દી ભૂપેન્દ્રભાઈ વસાવાના પરિવારજને. ભૂપેન્દ્રભાઈને બે કિડની, લિવર, હૃદય અને બે આંખના દાન થકી છ લોકોના જીવનમાં પ્રકાશ પાથરાયો છે. જેમાં હૃદય અને લિવર પોલીસ પાયલોટિંગ દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યાં છે.
એક વ્યક્તિના અંગદાનથી છને નવજીવન મળશે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ગાયત્રી પુરામાં બે પુત્રો અને પત્ની સાથે રહેતાં 47 વર્ષીય ભૂપેન્દ્રભાઈ સોમાભાઈ વસાવા પડી જતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. બે દિવસની સારવાર દરમિયાન ડોક્ટરે તેઓને બ્રેઇનડેડ જાહેર કર્યા હતાં. જે બાદ ભૂપેન્દ્રભાઈના પરિવારજનોએ તેઓના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આજે એક સાથે 6 વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરે તે માટે બે આંખો, બે કિડની, લિવર અને હૃદયનું દાન કરવામાં આવ્યું છે. તેઓના અંગોના દાનમાંથી હૃદય અને લિવર પોલીસ પાયલોટિંગ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. જ્યારે ટીમ અમદાવાદ જવા માટે રવાના થતી હતી, ત્યારે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફૂલ મૂકી પરમ આત્માને નમન કરવામાં આવ્યાં હતા.
મગજમાં લોહી ભરવાતા બ્રેઇનડેડ થયા હતાઃ ડોક્ટર આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર કમલેશ પરીખે જણાવ્યું હતું કે, બ્રેઇનડેડ થયેલા દર્દીની ઉંમર 47 વર્ષ હતી અને તેની મગજની એક નસ ફાટી જવાના કારણે મગજમાં લોહી ભરવાના કારણે બ્રેઇનડેડ થયા હતા. આ બાદ તેઓના અંગોમાં અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલની ટીમ હાર્ટ લેવાં માટે અહીંયાં આવી હતા. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ લિવર લેવાં માટે આવી હતી. આ સાથે બન્ને કિડની સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ ઉપયોગમાં લેવામાં આવશે. આ સાથે બે આંખો વડોદરામના જલારામ ટ્રસ્ટે ડોનેટ કરી છે.
અંગદાન માટે પરિજનોને સમજાવ્યાં હતાં વધુમાં જણાવ્યું હતું કે, બ્રેઇનડેડ થયેલ દર્દીના ચાન્સ હોતા નથી. આવી પરિસ્થિતિમાં અંગોનું દાન કરી મહત્વ આપવામાં આવે તો ભવિષ્યમાં જે દર્દીઓ ક્યારેય સાજા નથી થવાના તેઓ માટે આ એક જીવનદાન બની રહેશે. અમે કાલ બપોરથી આની પાછળ લાગેલા હતા. આ અંગોના દાન માટે દર્દીના પરિવારજનોને સમજાવવા અને આખી પ્રોસેસમાં સમાય લાગ્યો છે.
ડોક્ટરે સારવાર ખુબ સારી આપીઃ પરિજન આ અંગે પરિવાર જેમ હાર્દિક વસાવાએ જણાવ્યું હતું કે, દર્દી પડી જવાના કારણે તેઓને બ્રેઇનડેડ થયું હતું. તેઓને બે દિવસ અગાઉ જ સ્ટર્લિગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ જીવે તેવી કોઈ શક્યતાઓ ન હોવાના કારણે આખરે પરિવારજનો દ્વારા અમે આ નિર્ણય લીધો છે. ડોક્ટરે સારવાર ખુબ સારી આપી, પરંતુ એમને અંગદાન અંગેની માહિતી આપતા આખરે તેઓના અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ કારણે અન્ય છ લોકોને જીવન મળશે.