Vadodara News Network

હોસ્પિટલ સંચાલકો-મેડિકલ સ્ટોર માલિકોનું ઈલુ-ઈલુ, દવાના વેચાણમાં ડૉક્ટરોનું કમીશન, દર્દીનો મરો

Doctor Commission In The Sale Of Medicine: ખ્યાતિકાંડ પછી ખાનગી હોસ્પિટલોની કાળી કરતૂતો સામે આવી છે. ખાનગી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટોર્સ કે લેબોરેટરી શરૂ કરવી હોય તો પાઘડી પેટે  50 લાખ રૂપિયાથી માંડીને એક કરોડ સુધીની રકમ ચૂકવવી પડે છે. તેનું કારણ એ છેકે, એક વાર મેડિકલ સ્ટોર્સ ખોલો પછી તો બખ્ખે બખ્ખાં છે. હોસ્પિટલમાં દાખલ બધાય દર્દીઓને નાછૂટકે ત્યાંથી જ દવા ખરીદવી પડે છે. ઓછી કિંમતની દવાને છાપેલી કિંમતમાં વેચી મેડિકલ સ્ટોર્સમા માલિકો ધૂમ કમાણી રહ્યાં છે. હોસ્પિટલ સંચાલકો અને મેડિકલ સ્ટોર્સના માલિકો વચ્ચેની મિલીભગતને લીધે ગરીબ દર્દીઓનો મરો છે.

રાજ્યમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો

મેડિકલ વ્યવસાયમાં બમણો નફો રળવા માટે અવનવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે રાજ્ય આરોગ્ય વિભાગ ગમે તેટલાં નિયમો ઘડે પણ આખરે દર્દીઓનો જ મરો છે. ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો પણ જાણે રાફડો ફાટ્યો છે. શહેરોથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થતી હોસ્પિટલોમાં જો મેડિકલ સ્ટોર્સ શરૂ કરવો હોય તો જાણે બોલી બોલાતી હોય તેવી સ્થિતી સર્જાય છે. મેડિકલ સ્ટોર્સ શરૂ કરનાર હોસ્પિટલ માલિકને 50 લાખ રૂપિયાથી માંડી એક કરોડ સુધીની રકમનો ઓફર કરતાં હોવાનુ જાણવા મળ્યુ છે.

હોસ્પિટલ સંચાલકો-મેડિકલ સ્ટોર્સ માલિકોનું ઈલુ-ઈલુ 

હોસ્પિટલમાં ધમધમતાં મેડિકલ સ્ટોર્સ પરથી દર્દીઓને દવા ખરીદવા માટે આગ્રહ કરવામાં આવતો હોય છે. આ દવાના વેચાણમાં પણ ડોક્ટરોને ભરપૂર કમિશન મળતુ હોય છે. અજાણ દર્દીઓ પાસેથી દવાની પડતર કિંમત કરતાં બમણાં ભાવ લેવાય છે જેમ કે, બાટલો ચડાવવાની નળીની પડતર કિમત 10થી 20 રૂપિયા હોય પણ દર્દીઓ પાસેથી 80 રૂપિયા લેવાય છે. આ જ પ્રમાણે કેથેટરની કિંમત માત્રને માત્ર 40 રૂપિયા હોય છે. પરંતુ દર્દી પાસેથી 140 રૂપિયા પડાવાય છે.સેફોટેક્ષીન અને સેફટ્રાયોઝોન જેવી ટેબલેટની પડતર કિંમત 50થી 60 રૂપિયા હોય પણ દર્દીઓને 400થી 500 રૂપિયા ચૂકવવા પડે છે.

હોસ્પિટલના સ્ટાફનો પગાર, લાઇટબીલ પણ મેડિકલ સ્ટોર્સ માલિકોના માથે

એવું પણ જાણવા મળ્યુ છે કે, ઘણાં ઠેકાણે ખાનગી હોસ્પિટલનું ભાડુ, સ્ટાફનો પગાર અને લાઇટબીલ પણ મેડિકલ સ્ટોર્સના માલિકો ચૂકવે છે. આ પરથી પ્રસ્થાપિત થાય છે કે, મેડિકલ સ્ટોર્સના માલિકો કેટલો નફો રળતાં હશે. આ જ પ્રમાણે, લેબોરેટરી શરૂ કરી હોય તે રૂપિયા પાઘડી ચૂકવવી પડે છે. ડોક્ટરો આ જ લેબના ટેસ્ટ માન્ય રાખીને દર્દીઓના રોગનું નિદાન કરે છે, જેના પેટે ભરપૂર કમિશન મેળવે છે. આમ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલના સંચાલકો, મેડિકલ સ્ટોર્સ- લેબ માલિકો સુવ્યવસ્થિત રીતે ગરીબ દર્દીઓને લૂંટી રહ્યાં છે.

કમિશનબાજ ડોકટરો એવી દવા લખે કે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ પર જ મળે 

મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરો એવી જ દવા લખે છે જે પોતાના મેડિકલ સ્ટોર્સ પર જ મળે. આ ઉપરાંત ડોક્ટરો દર્દીઓને એવું કહેતાં હોય છે કે, જો આ દવા નહીં લો તો, ફરક નહીં પડે, નાછૂટકે દર્દીને હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ પરથી જ દવા ખરીદવા મજબૂર થવુ પડે છે. રાજ્ય ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરે આદેશ કર્યો છે કે, હવે દર્દીઓ ગમે તે મેડિકલ સ્ટોર્સ પરથી દવા ખરીદી શકશે. પણ આ પરિપત્ર માત્ર કાગળ બની રહી જશે. તેનો અમલ થઈ શકે તેમ જ નથી. હોસ્પિટલમાં દાખલ દર્દી બીજે સ્થળે મેડિકલ સ્ટોર્સ પર દવા ખરીદવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved