ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બે દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો તેમણે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાલાલ પટેલે જણાવ્યું કે 27 ડિસેમ્બરથી રાજ્યમાં કમોસમી વરસાદ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, “27 ડિસેમ્બરથી લગભગ 28-29 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. માવઠા પછી ખેતરોમાં ઉભા પાકોમાં રોગ આવવાની શક્યતા છે. જેમાં ફળોના પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો થવાની શક્યતા રહેશે. તુવેર, રાયડો અને અન્ય શાકભાજીના પાકોમાં પણ રોગ આવવાની સંભાવના છે. ખેડૂતોએ પાક સંરક્ષણની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ, જેથી તેમને પાકમાં નુકસાની ઓછી થાય.”
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે રાજ્યમાં આગામી 2 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.