અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલો સતર્ક થઇ ગઇ છે. આ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતા હોવાનો મામલો મહેસાણામાંથી સામે આવ્યો છે. એને લઇને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર રાખવા પડ્યા છે. ગત ગુરુવારથી મહેસાણા સિવિલમાં બે બાઉન્સર રખાયા છે, જેમની કામગીરીનું ઓબ્ઝર્વેશન કરીને એક ડિસેમ્બરથી કાયમી ધોરણે રાખવામાં આવશે અને આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર પણ ગોઠવવામાં આવશે.
એજન્ટોને પકડવા સિવિલ તંત્ર એક્શનમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને સારી સારવાર અને એક રૂપિયો ખર્ચો નહીં કરવો પડે એ સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલોના એજન્ટો કેટલીક ચોક્કસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં લઈ જતા હોવાની માહિતી મહેસાણા સિવિલ તંત્રને મળી હતી, જેથી આવા એજન્ટોને પકડવા માટે સિવિલ તંત્રએ બે બાઉન્સર મૂક્યા છે.
એજન્ટો દર્દીઓને ભોળવીને લાલચ આપતા આ અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર અનિમેષભાઈએ જણાવ્યું હતું કે બહારના માણસો આવીને દર્દીઓને સમજાવીને લઈ જતા હોવાની માહિતી મળી હતી, આથી દર્દીઓને કોઈ કનડગત અને હેરાનગતિ ન થાય તેમજ કેમ્પસમાં ચોરી ન થાય અને વોર્ડ સુરક્ષિત રહે એ માટે બે બાઉન્સરો મુકાયા છે. તેમની કામગીરી સારી હશે તો સિક્યોરિટી પણ બદલી નાખીશું. સિક્યોરિટી કરતા બાઉન્સરનો ખર્ચ ઓછો આવે છે.
સિવિલના ડોક્ટરોને એજન્ટોની માહિતી મળી હતી ડો.અનિમેષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો પોતાને ત્યાં PMJAY યોજના હેઠળ દર્દીઓની ઓપરેશન સહિતની સારવાર થાય એ માટે સિવિલ હોસ્પિટલમાંથી પોતાના એજન્ટો મૂકીને દર્દીઓને લઈ જતા હોવાની ફરિયાદો મળી હતી. એજન્ટો સિવિલ કેમ્પસમાં આવીને દર્દીઓને એવી લાલચ આપતા કે તમને ઘરેથી લઈ જઈશું, સારી સારવાર થશે અને એકપણ રૂપિયો ખર્ચ નહીં થાય.
બે કલાકમાં જ દર્દીઓને વાતોમાં ભોળવી લેતા મહેસાણા સિવિલમાં છ માસ અગાઉ ઓપરેશનમાં આવેલા દર્દીનું ઓપરેશન 10 વાગ્યે હતું એ દરમિયાન દર્દીનાં પરિવારજનોમાંથી કોઈ બહાર ચા લેવા ગયું, એ દરમિયાન ખાનગી એજન્ટ તેમની પાસે બહાર જઈ વાતચીત કરી લોભામણી લાલચ આપી માત્ર બે જ કલાકમાં દર્દીને પોતાની સાથે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી હતી.
તાજેતરમાં જ એક એજન્ટ પાસે માફીનામું લખાવ્યું હતું બીજી તરફ ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ આયુષમાન કાર્ડ કાઢવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ બોર્ડ મારતા હતા. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં આવા એજન્ટો સાથે સ્ટાફની તકરાર પણ થતી હતી. તાજેતરમાં જ મહેસાણા સિવિલ સર્જન દ્વારા ખાનગી હોસ્પિટલના કર્મી પાસે માફીપત્ર પણ લખાવાયો હતો, જેથી દર્દીઓ અને સ્ટાફની સેફ્ટીને ધ્યાને લઇને હાલ બે ખાનગી બાઉન્સર મુકાયા છે, જેમની કામગીરીનું ઓબ્ઝર્વેશન કરીને 1 ડિસેમ્બરથી કાયમી ધોરણે રાખવામાં આવશે અને આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર પણ ગોઠવવામાં આવશે.
શું છે ખ્યાતિકાંડ? કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. એમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી, જેમાં 2 દર્દીનાં મોત થઈ ગયાં હતાં. આ બાદ હોબાળો થયો હતો અને ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કર્યા બાદ પોલીસ ફરિયાદ થઇ હતી, જેમાં પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિકાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાઇ ગયા છે, જેઓ હાલ રિમાન્ડ પર છે આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે.