વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં પૂરની સ્થિતિએ કાળો કેર વર્તાવ્યો હતો. જેમાં વડોદરા શહેરમાં કરોડો રૂપિયાનું નુકસાન લોકોએ વેઠ્યું હતું. જેની સામે અનેક લોકો સહાયથી વંચિત રહી ગયા છે. આવા સમયે હવે કોર્પોરેશન દ્વારા હવે વેરા બજાવવાની શરૂઆત કરવામાં આવનાર છે, ત્યારે લોકો આ વર્ષે વેરા માફીની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો આ વર્ષે તો વેરો ભરવાના જ નથી, તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
વડોદરા કોર્પોરેશનના અણઘડ વહીવટના પાપે આ વર્ષે લોકોને સતત પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નેતાઓને લોકોની વચ્ચે જવુ પણ ભારે પડ્યું હતું. જેથી હવે વેરા માંફીની માંગ ઉઠી રહી છે. લોકોના માથે પૂરની નુકસાની સહન કરવાનો વારો આવ્યો હોવાથી તેઓ વેરો ભરી શકે તેવી સ્થિતિમાં પણ નથી. તો પૂરમાં દુકાનોમાં મોટું નુકસાન થયું હોવાથી વેપારીઓ પણ વેરા માફીની માંગ કરી રહ્યા છે.
સ્થાનિક કમલેશભાઇ ચંદાણાએ જણાવ્યું હતું કે, આ ચોમાસામાં પૂરની સ્થિતિમાં મારા ઘરમાં 3 વખત પાણી ભરાઈ ગયા હતા. એ વખતે કોઇ કોર્પોરેટરો જોવા માટે આવ્યા નહોતા. એ વખતે અમે વિરોધ કર્યો હતો, ત્યારબાદ સર્વે થયો હતો, ત્યારબાદ પણ અમારા વિસ્તારની સવિતાપાર્ક, સવિતાપાર્ક-1, સવિતાપાર્ક-2, શિવ શક્તિ સોસાયટી આમ્રપાલીનગર અને અખંડઆનંદ સોસાયટી સહિતની સોસાયટીઓમાં સહાયની રકમ લોકોને મળી નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં લોકોને લાખ્ખો રૂપિયાના નુકસાન થયા છે, તેમ છતાં કેસડોલ મળી નથી. તેમ છતાં હવે કોર્પોરેશન વેરો ઉઘરાવશે, પણ હું કોઇપણ સંજોગોમાં વેરો ભરવાનો નથી. હજી લોકો માંડ માંડ ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વેરો આવે તો હવે કેવી રીતે ભરી શકે. અમે તો સ્થાનિક લોકોએ નક્કી કર્યું છે કે, હવે અમે વેરો ભરવાના નથી. વડોદરા શહેરમાં જ્યાં જ્યાં પૂરના પાણી ભરાયા હતા. એ લોકોનો વેરો માફ કરવો જોઇએ તેવી અમારી માંગણી છે.
સ્થાનિક રાહુલભાઇ પરમારે જણાવ્યું હતું કે, પૂરના સમયે અમારા ઘરોમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી ગયા હતા અને અમારા ઘરોમાં મોટું નુકસાન થયું હતું. આજે 2થી3 મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં અમને કેશડોલની સહાય મળી નથી. તેમ છતાં હવે કોર્પોરેશન વેરો ઉઘરાવવા માટે તૈયાર છે. અમને કેશડોલ આપશો કે, વેરો માફ કરશો તે તમે નક્કી કરો. આજુબાજુના વિસ્તારમાં સહાય ચૂકવાઇ ગઇ છે. પરંતુ અમારી સવિતાપાર્ક અને સવિતા દર્શન સોસાયટીમાં સહાય ચૂકવાઇ નથી.
સ્થાનિક ઠાકોરભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારે ત્યાં સતત 3 મહિનામાં 3 વખત પૂરના પાણી ઘૂસી ગયા હતા. તેમ છતાં અમારે ત્યાં સહાય મળી નથી. જ્યાં પાણી નહોતા ભરાયા, ત્યાં સહાય મળી ગઇ, અમારે ત્યાં પાણી ભરાયા હતા, તેમ છતાં સહાય મળી નથી. એ આશ્રર્યજનક વાત છે. અમારા વિસ્તારમાં બનેલા અર્બન હેલ્થ સેન્ટર બનાવાના કારણે પાણી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, તેના કારણે પાણી ભરાઈ જાય છે. જેથી આ વર્થે કોર્પોરેશને વેરો માફ કરવો જોઇએ.
સ્થાનિક ગાયત્રીબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું છે. તેમ છતાં કોઇ કાર્યકર કે નેતા જોવા આવ્યા નથી અને સહાય પણ નથી. અમે હવે વેરો ભરી શકાય તેવી સ્થિતિમાં પણ નથી. અમને મદદ કરો તો અમે વેરો ભરીશું, બાકી નહીં ભરીએ. અમારે ત્યાં બિમારી ફેલાઈ હતી, તેમ છતાં અમારે ત્યાં કોઇ જોવા આવ્યું નથી. સ્થાનિક ભાવનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અમને પૂરની સહાય મળી નથી. જેથી આ વર્ષે વેરો આવશે તો અમે વેરો ભરવા તૈયાર નથી. અહીં માત્ર સર્વે થયા છે, પણ સહાય મળી નથી.
વેપારી વિરલ ચૌહાણે જણાવ્યું હતું કે, પૂર વખતે મારી દુકાનમાં 5 ફૂટ પાણી ઘૂસી ગયા હતા, જેથી ફર્નિચર, બે ફ્રિજ સહિતનો સામાન પાણીમાં ડૂબી ગયો હતો અને 3 દિવસ પછી મારી દુકાન ખુલી હતી. મારું 1.40 લાખનું નુકસાન થયું હતું. જેની સામે 20 હજાર રૂપિયાની સહાય મળી છે. એ સહાય પુરતી નથી અને હવે અમારે વેરો ભરવાનો આવશે. આ વેરો માફ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. વેપારી જૈમિન જાધવે જણાવ્યું હતું કે, મારું 1.40 લાખનું નુકસાન થયું હતું. જેની સામે 40 હજારની સહાય મળી હતી. જે ખૂબ ઓછુ છે. જેથી અમારી માંગણી છે કે, સરકાર આ વર્ષે વેરો માફ કરે.