Rajasthan Pali School Bus Accident: રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.
બસ પલટતાં જ ચીસાચીસ મચી
માહિતી અનુસાર જેવી જ બસ પલટી કે બાળકોએ ચીસાચીસ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટના વિશે જાણ કરી હતી. માહિતી અનુસાર આ બાળકો સ્કૂલ પ્રવાસે જઇ રહ્યા હતા.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
આ ઘટનાની જાણકારી મળતાં જ રાજસમંદના એસપી અને કલેક્ટર પણ ઘાયલોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી ગયા અને ઘાયલોના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત પીડિતોને બચાવવામાં મદદ કરી હતી. ડઝનેક જેટલાં ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા હતા. આ તમામ બાળકો પિકનિક મનાવવા માટે પરશુરામ મહાદેવ જઇ રહ્યા હતા.