નસબંધીકાંડમાં અધિકારીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાની વાત જિલ્લા આરોગ્ય અધિકારીઓએ નકારી કાઢી હતી. ત્યારે કડી તાલુકા હેલ્થ ઓફિસરની એક નોટિસ સામે આવી છે, જેમાં TDO કુટુંબ નિયોજનના શૂન્ય ઓપરેશન કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોને નોટિસ આપીને ખુલાસો કરવાનું જણાવી રહ્યા છે અને જો ખુલાસો કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ત્યારે નસબંધીકાંડમાં ‘ટાર્ગેટ’ ન અપાતો હોવાનો દાવો પોકળ સાબિત થતો જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે DDOએ જણાવ્યું હતું કે, તપાસ કમિટીની રચના કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.
મહેસાણાના શેઢાવી-જમનાપુરના યુવકોની નસબંધી સમગ્ર રાજ્યમાં નસબંધીકાંડનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે, નવો ખુલાસો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આરોગ્ય તંત્રના એક બાદ એક નવાકાંડ સામે આવી રહ્યા છે. ખ્યાતિકાંડનો હજુ એક મહિનો પણ નથી થયો ત્યારે, મહેસાણા જિલ્લામાં નવો કાંડ આવ્યો છે. મહેસાણાના શેઢાવી અને જમનાપુરના યુવકોની નસબંધી કરી દેવામાં આવી હતી.
દારૂ પીવડાવીને કુંવારો હોવા છતાં નસબંધી કરી મહેસાણાના શેઢાવી ગામના યુવકને થોડાંક સમય અગાઉ જામફળીના ખેતરમાં લઈ જઈ દારૂ પીવડાવીને કુંવારો હોવા છતાં તે નસબંધી કરવામાં આવી હતી. જે બાદ મહેસાણાના જમનાપુરના યુવકને બીજા લગ્ન કરે તે પહેલાં જ આરોગ્ય તંત્ર દ્વારા તેની નસબંધી અડાલજ ખાતે કરી દેવામાં આવી હતી. જે બાદ એકાએક નસબંધીકાંડ સામે આવતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
કડી THO દ્વારા આરોગ્ય કેન્દ્રોને નોટિસ કેમ? બીજી તરફ નસબંધીકાંડમાં ટાર્ગેટ ન અપાતો હોવાનો આરોગ્ય અધિકારીઓનો દાવો તદ્દન ખોટો હોવાનું સામે આવ્યું છે. ટાર્ગેટ મુજબ કામગીરી ન થાય તો નોટિસ અપાય છે. નસબંધીકાંડમાં અગાઉ અપાયેલી નોટિસની નકલો સામે આવી છે. નશબંધી ઓપરેશનમાં શૂન્ય કામગીરી કરનારને નોટિસ અપાઈ હતી. કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નોટિસ અપાઈ હતી. 24 ઓક્ટોબરના રોજ અપાયેલી નોટિસ સામે આવી છે. ત્રણ માસમાં કામગીરી પૂર્ણ ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહીનો નોટિસમાં ઉલ્લેખ છે.
બે કર્મચારી સસ્પેન્ડ સમગ્ર મહેસાણા જિલ્લામાં એક બાદ એક નસબંધીકાંડના અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે શનિવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, અધિકારીઓને કોઈ જ ટાર્ગેટ આપવામાં આવતો નથી. ત્યારે મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે બે કર્મચારીને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
‘કોઈ જ અધિકારીને ટાર્ગેટ આપ્યો નથી’ : આરોગ્ય અધિકારી મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ શનિવારે જણાવ્યું હતું કે, મેં CDHO તરીકે કોઈ પણ મિટિંગમાં કોઈ જ અધિકારીને ટાર્ગેટ આપ્યો નથી. હું મારા કર્મચારીને કહેતો હોઉં છું કે, કામ નહીં કરો તો ચાલશે પણ જે કામ કરો એ ક્વોલીટીવાળું હોવું જોઈએ અને જે પણ કામ કરો એની સાચી એન્ટ્રી કરો.
‘સંજય ગાંધીએ કર્યું હતું એવું અમે કરવા માગતા નથી’ : આરોગ્ય અધિકારી મહેસાણાના અધિક આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે કહ્યું છે કે ધીસ ઇસ ટાર્ગેટ ફ્રી એપ્રોચ. ટાર્ગેટ આપવાનો હોય તો સાબરકાંઠામાં 375 કેસ કર્યા એ લોકો તો ટાર્ગેટથી ઉપર ગયા છે. સંજય ગાંધીએ કર્યું હતું એવું અમે કરવા માગતા નથી. કેસ હોય એને સામેથી કાઉન્સિલિંગ કરવાનું અને તેને ઓપરેશન કરાવું છે તો જ તેનું ઓપરેશન કરવાનું.
તપાસ કમિટીની રચના કરી જવાબદાર સામે પગલાં લેવાશે : DDO નસબંધી ટાર્ગેટ મામલે મહેસાણા DDO ડૉ જસમીન હસરતએ જણાવ્યું હતું કે, જિલ્લા લેવલની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. CDHO અને તેમની ટીમ સમગ્ર મામલે તાપસ કરી રહી છે. જો કોઈ ટાર્ગેટ આપી કામગીરી થઈ હશે તેવું તપાસમાં સામે આવશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં 2 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો? મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવતો નથી તેવું નિવેદન આપવામાં આવી રહ્યું છે ત્યારે, કડી ટી.એચ.ઓ દ્વારા અન્ય આરોગ્ય કેન્દ્રોને કામગીરી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હોય તેવી નોટિસ સામે આવી છે. કડી THO ડો.ધર્મેશ પટેલ દ્વારા કડી તાલુકાના ડાંગરવા, ઝુલાસણ, મેડા આદરજ અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોટિસ આપવામાં આવી હતી. ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા 24 ઓક્ટોબરના રોજ આ નોટિસ આપવામાં આવી હતી.
નોટિસમાં શું છે? નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તાલુકા કક્ષાએથી વારંવાર સૂચના આપવામાં આવી છે તેમ છતાં NVSની 0 કામગીરી કરવામાં આવી છે. જે અતિ ગંભીર બાબત છે. આ મહત્વની કામગીરીમાં આપ ખૂબ જ દુર્લક્ષતા સેવો છો એમ માનવામાં આવે છે. આગામી ત્રણ મહિનામાં તમારી કામગીરી સંતોષકારક નહીં હોય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી, તેમજ નબળી કામગીરી અગામી સમયમાં પૂર્ણ કરવી તેમજ ત્રણ દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો આગળ કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી.
THO અચાનક રજા ઉપર ઉતરી જતાં અનેક સવાલો કડીના આદુન્દ્રા રોડ ઉપર આવેલી કડી તાલુકા હેલ્થ ઓફિસમાં THO તરીકે ફરજ બજાવતા ધર્મેશ પટેલ હાજર જોવા ન મળ્યા હતા. જ્યારે સ્થાનિક કર્મચારીઓને તેઓએ જણાવ્યું હતું કે, તેઓ આજે રજા ઉપર છે, અચાનક જ THO સોમવારે રજા ઉપર ઉતરી જતા અનેક સવાલો સામે આવી રહ્યા છે.