અતુલ સુભાષે (Atul Subhash) આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટ છોડી અને લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવ્યો, જેમાં તેમણે તેમની પત્ની અને સાસરિયાઓને આ માટે જવાબદાર ગણાવ્યા છે. આ વીડિયોમાં અતુલે દેશના ન્યાયતંત્ર, પોલીસ અને કાયદામાં પુરૂષોની ઉપેક્ષા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ સિવાય તેમણે જૌનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા.
બેંગલુરુ સ્થિત એક પ્રતિષ્ઠિત IT કંપનીમાં કામ કરતા એન્જિનિયર અતુલ સુભાષે (Atul Subhash) પત્ની અને સાસરિયાઓથી ત્રાસીને આત્મહત્યા કરી લીધી. આ મુદ્દો આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે કાયદાનો દુરુપયોગ કરીને તેમને પરેશાન કરવામાં આવ્યા. અતુલે આને ‘પુરુષોનો કાનૂની નરસંહાર’ ગણાવ્યો અને તેને રોકવાની અપીલ કરી. પોતાના દોઢ કલાકના વીડિયો અને સુસાઈડ નોટમાં અતુલ સુભાષે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક (Elon Musk) ને પણ અપીલ કરી હતી. અતુલે કહ્યું કે ભારતમાં કાયદેસર રીતે થઈ રહેલા પુરુષોના નરસંહારને રોકવા માટે પ્રયત્નો કરવા પડશે.