આજકાલ યુવાનોમાં યુટ્યુબથી પૈસા કમાવાનો જાણે એક નવો વિકલ્પ ઊભો થયો છે. ઘણા લોકો પોતાની માસ મોટા ફિક્સ પગાર વાળી નોકરી મૂકીને પણ કન્ટેન્ટ ક્રિએટ કરે છે અને ફૂલટાઈમ યુટ્યુબર તરીકે કામ કરે છે. યુટ્યુબથી કમાણી અંગે મોટા મોટા દાવા કરવામાં આવે છે. ભુવન બામ અને અમિત ભદાના જેવા મોટા ભારતીય યુટ્યુબર્સ દર મહિને રૂ. 11.6 લાખથી રૂ. 1.7 કરોડની કમાણી કરી રહ્યા છે. ભારતીય યુટ્યુબરની સરેરાશ કમાણી 4.17 લાખ રૂપિયા છે. ત્યારે આનાથી વિરોધમાં તાજેતરમાં ‘નલિની કિચન રેસિપી’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતી નલિની ઉંગરે ત્રણ વર્ષના અસફળ પ્રયાસો પછી યુટ્યુબને અલવિદા કહ્યું. એક પછી એક પોસ્ટમાં, નલિનીએ યુટ્યુબ પર ‘પક્ષપાતી’ હોવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે અહીં પૈસા કમાવવા બિલકુલ સરળ નથી.
નલિનીએ સોશિયલ મીડિયા X ( ટ્વિટર) પર જાહેર કર્યું કે તેણે તેની ચેનલ પર ₹8 લાખનું રોકાણ કર્યું તેનાથી તેને કોઈ નાણાકીય લાભ થયો નથી. નલિનીએ લખ્યું છે કે, “હું મારી યુટ્યુબ કારકિર્દીમાં નિષ્ફળ ગઈ, તેથી હવે હું મારા રસોડાની તમામ એક્સેસરીઝ અને સ્ટુડિયોના સાધનો વેચી રહી છું. મેં રસોડું બનાવવા, સ્ટુડિયોના સાધનો ખરીદવા અને પ્રમોશન માટે લગભગ ₹8 લાખનો ખર્ચ કર્યો. અને બદલામાં તમને શું મળ્યું? ₹0.”