Home Loan : હોમ લોન લેનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં હવે હોમ લોન માટે કોઈ થર્ડ પાર્ટી ગેરંટી જરૂરી નથી. આ માટે સરકાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે ઝીરો-કોલેટરલ હાઉસિંગ લોન સ્કીમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આમાં 20 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ પેપરવર્ક અથવા થર્ડ પાર્ટી ગેરંટી વિના ઉપલબ્ધ થશે.
જો આપણે સૂત્રોનું માનીએ તો આ સ્કીમ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ ફોર લો ઈન્કમ હાઉસિંગ (CRGFTLIH)માં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક ચર્ચાઓ મુજબ લોનની મુદત 30 વર્ષ સુધીની હોઈ શકે છે. હાલમાં માત્ર 8 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોનને જ ગેરંટી કવર મળે છે. એક સરકારી અધિકારીએ ખાનગી મીડિયાને જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય એવા ઘર ખરીદનારાઓને પણ લોન આપવાનો છે કે જેમની પાસે કોઈ દસ્તાવેજી આવક નથી અથવા તેમની પાસે બહુ ઓછા જરૂરી દસ્તાવેજો છે.
તો શું પ્રોપર્ટીના કાગળોની જરૂર નહીં પડે ?
સરકાર પ્રોપર્ટીના કાગળો વગર પણ લોકોને હોમ લોન આપવાનું કામ કરી રહી છે. વાસ્તવમાં ઘણા લોકોને તેમના ઘર અથવા અન્ય કોઈ મિલકત માટે લોનની જરૂર હોય છે. પરંતુ તેમની પાસે તે મિલકતના સંપૂર્ણ કાગળો નથી. આવી સ્થિતિમાં જે લોકો પાસે પ્રોપર્ટીના સંપૂર્ણ કાગળો નથી તેઓ પણ પ્રોપર્ટી સામે લોન મેળવી શકશે.
હવે જાણીએ શું છે સરકારની યોજના?
સરકાર ઓછી અને મધ્યમ આવક જૂથના લોકોને કોઈપણ ગેરેંટર અથવા દસ્તાવેજ વિના હોમ લોન આપવાનું વિચારી રહી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, તેનો ઉદ્દેશ્ય એવા ઘર ખરીદનારાઓને લોન આપવાનો છે જેમની પાસે આવકનો કોઈ પુરાવો કે જરૂરી દસ્તાવેજો નથી. આ માટે નાણા મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયો, નેશનલ હાઉસિંગ બેંક અને અન્ય કોમર્શિયલ બેંકો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
જાણો કોણ હોય છે નિમ્ન અને મધ્યમ વર્ગના પરિવારો ?
હાલની જોગવાઈઓ અનુસાર આર્થિક રીતે નબળા વિભાગ (EWS)ને એવા પરિવાર તરીકે ગણવામાં આવે છે જેની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી હોય. જેમની વાર્ષિક આવક રૂ. 3 થી 6 લાખ છે તેમને ઓછી આવક જૂથ (LIG) કુટુંબ તરીકે ગણવામાં આવે છે. જેમની વાર્ષિક આવક રૂ. 6 થી 9 લાખ છે તેમને મધ્યમ આવક જૂથના પરિવારો ગણવામાં આવે છે.
				
								
															
															





























