વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શહેરના સમા ખાતે નવો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે સમાના આ બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે લિંક કરવાનો નિર્ણય આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં લેવામાં આવે તે પહેલા જ વિવાદ શરૂ થયો છે. રૂપિયા 120 કરોડના ખર્ચે સંભવતઃ બનવા જઇ રહેલા બ્રિજનો એકાએક શરૂ થયેલા આ વિરોધ પાછળ ‘બોલેગા તો મિલેગા’નો ખેલ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે.
54 કરોડના ખર્ચે બનનારા બ્રિજની કિંમત 120 કરોડ થઈ જતા વિરોધ તા. 20 ડિસેમ્બરને શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં સમા બ્રિજ સાથે ઉર્મી બ્રિજને લિંક કરવાનું કામ આવતા સ્થાયી સમિતિના ચાર સભ્યો બ્રિજ શાખાના અધિકારીઓને સાથે રાખીને સ્થળની મુલાકાત લીધી હતી અને બ્રિજ લિંક કરવા સામે પોતાનો વિરોધ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, જૂની ડિઝાઈન પ્રમાણે રૂપિયા 54 કરોડના ખર્ચે સમા બ્રિજ બનવાનો હતો, પરંતુ લિંક કરવાના આયોજનથી આ બ્રિજ રૂપિયા 120 કરોડમાં બનનાર હોવાથી ભારે વિરોધ શરૂ થયો છે.
પ્રજાના કરોડો રૂપિયાનો આડેધડ વેડફાટ વડોદરા મહાનગર સેવાસદન દ્વારા વિકાસની આંધળી દોટમાં પ્રજાના કરોડો રૂપિયાનો આડેધડ વેડફાટ થઈ રહ્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં જરૂર ન હોય ત્યાં પણ બ્રિજો બનાવવાનું આયોજન કરી રહ્યું છે. ત્યારે તેનો ચારે કોરથી વિરોધ શરૂ થયો છે. હવે વાસણા જંકશન અને ભાયલી બાદ હવે ઉર્મી-સમા લિંક બ્રિજ બનાવવાના વિરોધમાં ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સ્થાયી સમિતિના ચેરમેને આડકતરો વિરોધ કર્યો ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા રૂપિયા 54 કરોડના ખર્ચે સમા બ્રિજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તા.13-3-24ના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં સમા-ઉર્મી બ્રિજ લિંક કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે, આ ઠરાવ સમયે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જરૂર જણાય તો લિંક કરવો તેમ જણાવી બ્રિજ લિંક કરવા સામે આડકતરો વિરોધ કર્યો હતો. જ્યારે સ્થાયી સમિતિના સભ્યો મનોજ પટેલ, બંદીશ શાહ, જાગૃતિ કાકા, હેમીશા ઠક્કર, ડો. રાજેશ શાહ અને નિતીન દોંગા સહિત અન્ય સભ્યોએ પણ સહમતિ આપી હતી.
સ્થાયી સમિતિને નિર્ણય લેવા મજબૂર કરવાનો પ્રયાસ કર્યો જાણવા મળ્યા મુજબ, ઉર્મી બ્રિજ અને સમા બ્રિજને લિંક કરવા માટે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, સ્થાયી સમિતિના સભ્યો મનોજ પટેલ અને બંદીશ શાહ વધારે ઇચ્છુક હતા. આથી સ્થાયી સમિતિમા બ્રિજ લિંક કરવા માટે દરખાસ્ત લાવવામાં આવી હતી અને સંગઠન અને સ્થાયી સભ્યોએ પોતાનો અહમ સંતોષવા માટે સમા બ્રિજની સાથે ઉર્મી બ્રિજને લિંક કરવાનો નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિને મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં ગુરૂવારે સ્થળની મુલાકાત લઇ વિરોધ કરનાર સ્થાયી સમિતિના સભ્યો નિતીન દોંગા, ડો. રાજેશ શાહ, જાગૃતિ કાકા અને હેમીશા ઠક્કરે પણ ઠરાવ સમયે સહમતી આપી હતી.
‘બોલેગા તો મિલેગા’નો ખેલ શરૂ થઈ ગયો આ દરમિયાન શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં લિંક બ્રિજની દરખાસ્ત મંજૂર કરવામાં આવે તે પહેલાં ગુરૂવારે એકાએક અગાઉ લિંક બ્રિજની સહમતી આપનાર સ્થાયી સમિતિના સભ્યો નિતીન દોંગા, ડો. રાજેશ શાહ, જાગૃતિ કાકા અને હેમીશા ઠક્કરે વિરોધના સૂર રેલાવતા ‘બોલેગા તો મિલેગા’ નો ખેલ શરૂ થઇ ગયો હોવાનું ચર્ચાઓ શરૂ થઇ છે.
120 કરોડ ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો સ્થાયી સમિતિ દ્વારા પણ સમા બ્રિજને ઉર્મી બ્રિજ સાથે જોડવા માટે નવી ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી છે. બ્રિજ કેવો બનશે તેનું મોડલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આ બ્રિજ પાછળ વધારાના બીજા રૂપિયા 56 કરોડ ખર્ચ મળી કુલ રૂપિયા 120 કરોડ ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. તે અંગેની એક દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવી રહી છે. ત્યારે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં અને સ્થાયી સમિતિની બેઠક પૂર્વે મળતી સંકલનમાં સમા-ઉર્મી લિંક બ્રિજને લઇ ભારે તડાફડી થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
જૂની ડિઝાઇન પ્રમાણે જ બ્રિજ બનાવવા રજૂઆત કરાશે સ્થાયી સમિતિના સભ્ય નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, સમા ખાતે રૂપિયા 54 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલો બ્રિજ રસ્તામાં આવતી નર્મદા કેનાલને કુદાવીને દુમાડ સુધી જોઈન્ટ કરવો જોઈએ તેના બદલે ઉર્મી બ્રિજને સમા બ્રિજ સાથે સાથે લિંક કરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અયોગ્ય છે. ઉર્મી બ્રિજ અને નવીન બનનારા બ્રિજ વચ્ચે ઘણું અંતર છે, તેથી વાહનચાલકોને મુશ્કેલી પડશે નહીં. આથી જૂની ડિઝાઇન પ્રમાણે જ બ્રિજ બનાવવામાં આવે તે માટે આગામી મળનાર સ્થાયી સમિતિમાં રજૂઆત કરવામાં આવશે.
આવનારી સમિતિમાં રજૂઆત કરીશું સમિતિના સભ્ય ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે, ઉર્મી બ્રિજ સાથે લિંક કરવાના આયોજન સામે અમારો વિરોધ છે. જૂની ડિઝાઈન પ્રમાણે જ સમા ખાતે બ્રિજ બનવો જોઈએ અને આ માટે આવનારી સમિતિમાં રજૂઆત કરીશું અને તે બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
રજૂઆત બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકા અને હેમીશા ઠક્કરે જણાવ્યું હતું કે, પ્રજાના નાણાંનો ખોટી રીતે દૂર ઉપયોગ થાય તે ચલાવી લેવાય નહીં. મૂળભૂત વાત ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો છે ત્યારે સમા ખાતે બનનાર બ્રિજને ઉર્મી બ્રિજ સાથે લિંક કરવાથી કોઈ ફાયદો થશે નહીં. પરિણામે જૂની ડિઝાઇન પ્રમાણે જ સમા ખાતેનો બ્રિજ બનવો જોઈએ. આ અંગે અમો આગામી મળનાર સ્થાયી સમિતિ અને સંકલન સમિતિમાં રજૂઆત કરીશું. તે બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
બ્રિજને લિંક કરવાથી ટ્રાફિકને કોઈ અસર થશે નહીં સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન વિકાસની આંધળી દોટમાં પ્રજાના વેરાના નાણાનો દુરુપયોગ કરી રહ્યું છે. સમા અને ઉર્મી બ્રિજને લિંક કરવાથી ટ્રાફિકને કોઈ અસર થશે નહીં. પરિણામે જૂની ડિઝાઈન પ્રમાણે જ જે 54 કરોડના ખર્ચ બની રહ્યો છે તે જ રીતે બનાવવો જોઈએ. વધારાના નાણાનો ઉપયોગ કરીને 120 કરોડના ખર્ચે બનાવવો જોઈએ નહીં. જો પાલિકા દ્વારા આ નિર્ણય બદલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવામાં આવશે.