1. મેટ્રોસિટીમાં તંત્રના વાંકે પ્રજા પરેશાન
અમદાવાદમાં ફરી એક વખત તંત્રની અણઘડનીતિને પગલે પ્રજા પરેશાન બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાસ્તવમાં સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે રસ્તા પર CCTV પોલ ઉભો કરાયો છે. વિગતો મુજબ 6 મહિનાથી નખાયેલો રસ્તા પરનો પોલ વાહનચાલકોને નડતરરૂપ બની રહ્યો છે. પોલને કારણે વાહનચાલકોના અકસ્માત થઇ રહ્યા છે. આ સાથે CCTV માટે નખાયેલા પોલ પર હજુ સુધી કેમેરા જ નથી નખાયા. જેથી હવે સ્થાનિકોએ વહેલી તકે પોલ હટાવવા માંગ કરી છે.
2. CCTV પોલે જ તંત્રની પોલ ખોલી
અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા લોકોને સુવિધા આપવાના દાવા કરાયા છે. પણ કેટલીક સુવિધા હાલ લોકો માટે અગવડતા રૂપ બની છે. જે સમસ્યાએ તંત્રની શહેરીજનો અંગેની ચિંતાની પોલ ખુલી પાડી દીધી છે. શહેરમાં લોકોને સુવિધા આપવા અને નિયમ તોડનાર ને નિયમ શીખવાડવા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. પણ આ પ્રયાસોમાં કેટલાક કિસ્સાઓએ તંત્રની પોલ ખુલી પાડી દીધી છે. અને તેમાં પણ તાજેતરમાં એક એક ઘટના કે જ્યાં CCTV પોલે જ તંત્ર ની પોલ ખોલી.
3. CCTV પોલના કારણે અકસ્માત સર્જાયો
સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે અંડરપાસથી સ્ટેડિયમ સર્કલ તરફ આવતા રસ્તા પર CCTV પોલ નખાયો. જોકે તે પોલ ડિવાઇડરના બદલે તેની સાઈડમાં રસ્તા પર જ ઉભો કરી દેવાયો. જે ઉદ્દેશ્ય સારો છે પણ આ એક ભૂલના કારણે હવે ત્યાં અકસ્માત સર્જવવા લાગ્યા છે. ગુરુવારે આવો જ એક અકસ્માત સર્જાયો. જ્યાં પોલ રસ્તા વચ્ચે હોવાથી ટ્રાફિકમાં નીકળવા જતા કાર પોલ સાથે અથડાઈ. આ બાબત ને લઈને VTV એ લોકોની પ્રતિક્રિયા જાણી હતી.
4. શું કહી રહ્યા છે સ્થાનિકો ?
એક સ્થાનિકે એવા પણ ખુલાસો કર્યો કે, આ પોલ આજકાલ નો નહિ પણ 6 મહિનાથી નખાયો છે. જે મોટી ભૂલ કહેવાય અને ત્યાં CCTV કેમેરા પણ હજુ લાગ્યા નથી. જે સ્થળ પર આ બન્યું છે ત્યાં ટ્રાફિક ચોકી પણ આવેલ છે. જોકે તેમ છતાં આ બાબત પર ધ્યાન ન અપાઈ રહ્યું હોય તેમ આ થાંભલો અડચણરૂપ રીતે રસ્તા પર ઉભો છે. જેને લઈને સ્થાનિકે નારાજગી પણ વ્યક્ત કરી છે.
5. કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોવે છે તંત્ર ?
નોંધનિય છે કે, પહેલા હાટકેશ્વર બ્રિજ કે જેને બન્યાના થોડા સમયમાં તોડવાની નોબત આવી અને બાદમાં ઘુમા શીલજ બ્રિજ જેના છેડે રસ્તાના ઠેકાણા નથી. તો વળી અહીં સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ડિવાઈડર પર રાખવાના બદલે રસ્તા પર ઉભો કરી દેવાયેલો CCTV પોલ. જે ત્રણ ઘટનાએ તંત્ર પાસે સારી સારી એજન્સી, સારા સલાહકાર અને સારા એન્જીનીયર હોવા છતાં આ ત્રણ કામે બુદ્ધિ નું પ્રદર્શન કરી દીધું. હવે તેમાં વાંક AMC નો હોય કે ટ્રાફિક વિભાગનો. પણ આ સમસ્યાના કારણે આખરે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર તેની ભૂલ ક્યારે અને કેવી રીતે સુધારે છે અને સમસ્યા દૂર થાય છે કે પછી તંત્ર કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોવે છે ?