પ્રોવિડન્ટ ફંડ (PF) કૌભાંડના આરોપમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ ક્ષેત્રના પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જાહેર કર્યો હતો, જેમણે પુલકેશનગર પોલીસને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
પીએફ કૌભાંડનો આરોપ
પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ છે. પ્રાદેશિક પીએફ કમિશનર સદક્ષરી ગોપાલ રેડ્ડીએ તેના વિરુદ્ધ આ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ સાથે તેમણે પોલીસને પણ આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
ઉથપ્પા આ કંપનીનું સંચાલન સંભાળતો હતો
રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું સંચાલન સંભાળતો હતો. હવે રોબિન પર કંપનીના કર્મચારીઓના પગારમાંથી PF કાપ્યા અને પછીથી એને તેના ખાતામાં એડ ન કરવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, આ સમગ્ર કૌભાંડ 23 લાખ રૂપિયાનું હોવાનું કહેવાય છે.
વોરંટ જાહેર થયું છતાં હજુ સુધી ધરપકડ થઈ નથી
પુલકેશનગર પોલીસને લેટર લખીને કમિશનર ગોપાલ રેડ્ડીએ કહ્યું છે કે આ વોરંટનો અમલ કરવામાં આવશે. બીજી તરફ ઉથપ્પાએ પોતાનું રહેઠાણ બદલ્યું છે, જેના કારણે પોલીસે આ વોરંટ પીએફ ઓફિસને પરત કરવું પડ્યું હતું. એ બાદ પોલીસ અને પીએફ વિભાગ પૂર્વ ક્રિકેટરના નિવાસસ્થાનની તપાસ કરી રહી છે. આ મામલો કર્મચારીઓની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી એને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ અને પીએફ વિભાગ બંને સંયુક્ત રીતે એની તપાસ કરી રહ્યાં છે.
				
								
															
															





























