આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સચિવ અને કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના આરોગ્ય તંત્રને હચમચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડને રોકવા માટે સરકારે નવી SOP તૈયાર કરી હતી. જેમાં કાર્ડિયોલોજી, ઓન્કો(કૅન્સર) અને નિયોનેટલ(બાળકો) ની સારવાર માટે નવી SOP જાહેર કરાઇ હતી. આમાં PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
કાર્ડિયોલોજીની સેવાઓ
- ટેકનિકલ બાબતોને ધ્યાને લઇને સ્પેશ્યાલીટીમાં સુધારા કરવા જરૂરી જણાય છે, જે ધ્યાને લઇને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારા જાહેર કરીએ છીએ.
 - દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે.
 - ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
 - હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
કેન્સર સારવાર
- નિષ્ણાંત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
 - કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.
 - દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.
 - કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
 - મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
 - રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
 - આ યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)”નાં ઓછામાં ઓછા 30% ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલા છે. જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.
 - હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થોપ્લાસ્ટી (TKR/THR) સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂ. 3.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે VIDEO રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. જેમા નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કરાયેલો છે.
- એન્જીઓગ્રાફી
 - એન્જીઓપ્લાસ્ટી
 - કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
 - એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
 - તમામ “Ectomy” અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
 - ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન/ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી
 - સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી
દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમિયાન કરવામાં આવેલા લેબોરેટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.
ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
 
 
 
				
								
															






























