કોવિડ-19 પછી ચીનમાં સેંકડો લોકોને પરેશાન કરનાર હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે. 7 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ભારતમાં પણ આ વાયરસના ઓછામાં ઓછા નવ કેસ નોંધાયા છે. શરૂઆતમાં, કર્ણાટક અને તમિલનાડુમાં HMPV કેસ સામે આવ્યા હતા. આ પછી ગુજરાતમાં બીજા કેસની પુષ્ટિ થઈ, ત્યારબાદ મહારાષ્ટ્રના નાગપુરમાં બે કેસ નોંધાયા. બુધવારે, મુંબઈમાં બીજા HMPV કેસની પુષ્ટિ થઈ. ત્યારે હવે અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે.
ભારતમાં શ્વસન રોગો અંગે વધતી ચિંતા વચ્ચે, ઘણી રાજ્ય સરકારોએ HMPV સામે લડવા માટેની તૈયારી કરી લીધી છે અને માર્ગદર્શિકા જારી કરી છે. અમદાવાદમાં HMPV ના તાજેતરના કેસની પુષ્ટિ થઈ છે. થોડા દિવસ અગાઉ HMPV વાયરસનો એક પોઝિટિવ કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો. ત્યારે આ વાયરસનો બીજો કેસ સાબરકાંઠામાં પણ સામે આવ્યો. આ પછી ગુરુવારે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાતા ગુજરાતમાં HMPV ના કુલ 3 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધનો હ્યુમન મેટાપ્યુન્યુમોવાયરસ (HMPV) ચેપનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. તેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગુરુવારે તેમના નમૂના HMPV માટે પોઝિટિવ આવ્યા હતા. હાલમાં દર્દી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે. એક અહેવાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ટાંકીને જણાવ્યું કે આ દર્દીનો વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી. આ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી અસ્થમાથી પીડાઈ રહ્યો છે અને હાલમાં તેની સ્થિતિ છે. દર્દીના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત ભારતનાં 4 રાજ્યમાં વાયરસના કેસ સામે આવ્યા છે. ચીનમાં HMPV ફાટી નીકળવાના અહેવાલોએ બીજી હેલ્થ ઇમર્જન્સીની ચિંતા પણ વધારી દીધી છે. જો કે અગાઉ આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અગાઉ કહ્યું હતું કે HMPV એ કોઈ નવો વાયરસ નથી અને લોકોને તેના વિશે ચિંતા ન કરવા કહ્યું હતું. તેમણે લોકોને વાયરલ ચેપથી બચવા માટે સાવચેતી રાખવા પણ વિનંતી કરી હતી, જે શિયાળાની ઋતુ દરમિયાન વધી રહ્યા છે. એક અહેવાલમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ટાંકીને જણાવ્યું કે ‘ભારતમાં HMPV કેસ’ ની ગણતરી રાખવી અર્થહીન છે.