Ahmedabad Airport : ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલુ હોવાથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઠંડી અને ધુમ્મસને લઈને હવાઈ મુસાફરી પર અસર થઈ છે. જેને કારણે ગુરુવારે 22 ફ્લાઇટના શિડયુલ ખોરવાયા હતા. જેમાં ખાસ કરીને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઇ અને જયપુરની ફ્લાઇટ મોડી પડી હતી. આ તરફ ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી સમયમાં ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે તાપમાન વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યમાં પવનની હતિ 5 થી 10 કિમી આસપાસની રહેશે. તેમજ ઉત્તરાયણનાં દિવસે ઠંડીનો અનુભવ થશે. તેમજ 14 જાન્યુઆરીનાં પ્રતિ કલાકે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલુ હોવાથી ધુમ્મસ છે. ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ અને ટ્રેનો ઘણી મોડી પડી રહી છે. ઉપરાંત રોડ ટ્રાફિક પણ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. દિલ્હીના પાલમ એરપોર્ટ સહિત અનેક સ્થળોએ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. આ દરમિયાન દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં સરકી ગયો. તે 409 નોંધાયું હતું.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે, જેના કારણે ફ્લાઈટ ઑપરેશન પર ગંભીર અસર પડી છે. ભારત હવામાન વિભાગ (IMD) એ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની ચેતવણી આપતા શહેર માટે ઓરેંજ ચેતવણી જારી કરી હતી. IMDએ ચેતવણી આપી છે કે, આવી સ્થિતિ એરપોર્ટ, હાઇવે અને રેલ્વે રૂટને અસર કરી શકે છે. આનાથી ડ્રાઇવિંગની મુશ્કેલ સ્થિતિ સર્જાશે અને મુસાફરીનો સમય વધશે.
દિલ્હી એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટના પ્રસ્થાનને અસર થઈ છે. જોકે જે ફ્લાઈટ્સ CAT III અનુરૂપ છે (ઓછી વિઝિબિલિટી કામગીરી માટે સક્ષમ છે) તે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ અને પ્રસ્થાન કરવા સક્ષમ છે.
111 ફ્લાઈટ મોડી પડી
Flightradar24 વેબસાઇટ અનુસાર, IGI એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે 111 થી વધુ ફ્લાઇટ્સ ટેકઓફ માટે મોડી પડી હતી જ્યારે ત્રણ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ પર પહોંચેલી ફ્લાઇટ્સમાંથી 36 મોડી પડી હતી અને એક રદ કરવામાં આવી હતી. ટેકઓફમાં સરેરાશ વિલંબ 50 મિનિટ હતો. જ્યારે ઇનકમિંગ ફ્લાઇટ્સ માત્ર 5 મિનિટ મોડી પડી હતી.
આ એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી
દિલ્હીના પાલમ એરપોર્ટ, પંજાબના અમૃતસર એરપોર્ટ, આગ્રા એરપોર્ટ, પટિયાલા એરપોર્ટ, ચંદીગઢ એરપોર્ટ, અંબાલા એરપોર્ટ અને ગ્વાલિયર એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. કાનપુર એરપોર્ટ પર 100 મીટર, લખનૌ એરપોર્ટ પર 100 મીટર, વારાણસી એરપોર્ટ પર 150 મીટર, ગુવાહાટી એરપોર્ટ પર 150 મીટર, સફદરજંગ એરપોર્ટ પર 200 મીટર અને પ્રયાગરાજ એરપોર્ટ પર 200 મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી.