ભારતની ટેસ્ટ અને વનડે ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માની કારકિર્દી ડામાડોળ થતી હોય તેવું લાગે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો, પરંતુ તે પછી ‘હિટમેન’નું ફોમ સતત ઘટી રહ્યું છે. ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત લાગે છે કારણ કે તેઓ 18 જાન્યુઆરીએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. હવે એક ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું છે કે રોહિત પાસે તેની કારકિર્દી બચાવવા માટે ફક્ત 5 મહિના બાકી છે.
એક શોમાં ચર્ચા કરતી વખતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાએ કહ્યું, “રોહિત અને વિરાટને એકસાથે ન જોડવામાં આવે તો સારું રહેશે. ભારતીય ક્રિકેટમાં પહેલા પણ આવું બન્યું છે, જ્યારે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ રમતા હતા, ત્યારે તેમનું પ્રદર્શન મૂલ્યાંકન અલગ અલગ કરવામાં આવતું હતું.”
રોહિત શર્મા પાસે કારકિર્દી બચાવવા માટે 5 મહિનાનો સમય
દીપ દાસગુપ્તાએ વધુમાં કહ્યું કે, આગામી 5 મહિના રોહિત શર્માના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું, “આગામી 5 મહિના રોહિત શર્માના વ્હાઇટ બોલ ક્રિકેટ અને IPL કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ ટુર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન ઘણું બધું કહેશે. આ ઉપરાંત ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ફોર્મ, ફિટનેસ સ્તર અને ચેમ્પિયન ટ્રોફીમાં પ્રદર્શન પણ મહત્વ રાખે છે. અંતિમ નિર્ણય પસંદગીકારોના હાથમાં રહેશે.”
રોહિત શર્માની કેપ્ટનશીપ પહેલાથી જ ખતરામાં છે કારણ કે તેના નેતૃત્વમાં ભારત છેલ્લી 6 ટેસ્ટમાંથી 5 ટેસ્ટ હારી ગયું છે. પહેલા ન્યુઝીલેન્ડ સામે 0-3 થી મળેલી હાર નિરાશાજનક હતી, પછી રોહિતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું, જેમાંથી તેણે બે મેચ હારી અને એક મેચ ડ્રો રહી. રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે કારણ કે છેલ્લી 15 ઇનિંગ્સમાં તેણે ફક્ત 10.93 ની સરેરાશથી રન બનાવ્યા છે.
