મહાકુંભના બીજા અમૃત સ્નાન ઉત્સવ પહેલા થયેલ નાસભાગમાં 10 થી વધુ લોકોના મોતની આશંકા છે. ત્યારે આજે મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આજના દિવસે 10 કરોડ ભક્તોના આવવાની આશંકા છે. જોકે સમગ્ર ઘટનાને લઇ પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાતચીત કરીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે
મહાકુંભમાં મૌની અમાવસ્યાના બીજા અમૃત સ્નાન પર્વ માટે ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે સંગમ નાકા પર ભીડ અચાનક વધી જવાને કારણે નાસભાગ મચી ગઈ છે. હાલમાં સાત લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર 2ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમૃત સ્નાન રોકવાની અપીલ
મહા કુંભમાં સંગમ સ્થળ પર નાસભાગ બાદ આજનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યું છે. અખાડા પરિષદે આ નિર્ણય લીધો છે. મેળા પ્રશાસને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્રપુરીને અખાડાઓમાં અમૃત સ્નાન રોકવાની અપીલ કરી હતી, ત્યાર બાદ આ અમૃતસ્નાન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.
માહિતી અનુસાર નાસભાગ બાદ અમૃત સ્નાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. અખાડાઓ તેમની છાવણીમાં પાછા ફરી રહ્યા છે. કુંભ મેળા ઓથોરિટીના સ્પેશિયલ એકિઝક્યુટિવ ઓફિસર આકાંક્ષા રાણાએ કહ્યું ‘સંગમ રૂટ પરના કેટલાક અવરોધો તૂટવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેની સારવાર ચાલી રહી છે. આ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. જાણકારી અનુસાર સંગમ નાકા પર પોલ નંબર 11 થી 17 વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. તમામ ઘાયલોને મેળા વિસ્તારની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.