વિશ્વામિત્રી નદીમાં 8 ઝોન પ્રમાણે મગરની ગણતરી બુધવારે શરૂ કરવામાં આવી હતી. સવારે 9થી બપોરે 1 દરમિયાન પહેલીવારની ગણતરી કરી પૂર્ણ કરાઇ હતી. ગણતરીમાં જોડાયેલી સંસ્થાના સૂત્રો મુજબ, પહેલા દિવસે સવારની ગણતરીમાં 250થી વધુ મગરો જોવા મળ્યા હતા. રાત્રીની ગણતરીમાં આંકડો વધશે. બાળ મગરો રાત્રે નીકળે છે. રાત્રે મગરની આંખ પર ટોર્ચનો પ્રકાશ પાડી ગણતરી થાય છે. વેમાલીથી તલસટ બે વાર 20 ટીમ ગણતરી કરશે. જ્યારે 5 ટીમ 17 તળાવ પાસે ગણતરી કરશે.
વિશ્વામિત્રીના 27 કિલોમીટરના તટ પર મગરની ગણતરી શરૂ કરાઇ છે. રાજ્યના વન વિભાગે સ્થાપેલા ગીર ફાઉન્ડેશન, પાલીકા અને શહેરની 20થી વધુ એનજીઓએ મગરની ગણતરી શરૂ કરી છે. ફોરેસ્ટ વિભાગે MSUના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની મદદ પણ લીધી છે. વીડિયો-ફોટોગ્રાફીથી આ ગણતરી થઇ રહી છે.
પૂર પછી ધોવાણ થતાં તટ નાના થયા, મગરોની ગણતરી પડકારરૂપ થઇ છે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું કે, પૂર બાદ નદીના તટનું ધોવાણ થતાં કદ નાના થતાં ચાલવાની જગ્યા ઓછી છે. તટ લપસાય તેવા છે. ધોવાણના કારણે તટનું કદ નાનું થઇ ગયું છે. સાવચેતી રાખી કામગીરી કરવામાં આવી હતી. નદીના બંને કાંઠે ટીમોએ જઇ કામગીરી કરી હતી.
દુરબિન ન પહોંચે ત્યાં ડ્રોન ઉડાવીને ગણતરી કરી ગણતરીમાં જ્યાં દૂરબીન કે નજર ન પહોંચે અને ખૂણા હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. ગણતરીનું એનાલિસિસ કરીને તેનો સાચો આંકડો જાહેર કરાશે. > રિતેશ ગેહલોત, આરએન્ડડી, ગીર ફાઉન્ડેશન
પંજા વિનાના, પૂંછડી-જડબું કપાયેલા મગર નોંધાય છે મગરના પંજા ન હોય, જડબું કપાયેલું હોય, પૂછડી અડધી હોય તે રેકોર્ડ થાય છે. વિસ્તાર કે માદા મગર માટેની લડાઇમાં મગરોને ઇજા થાય છે. ઇજા જુની છે કે નવી તે નોંધાય છે. > વિશાલ ઠાકુર, કેનાઇન ગ્રુપ
વિસ્તાર અને કિમી પ્રમાણે ગણતરીના સ્થળો | |
ઝોન-1 વેમાલી હાઇવેથી સમા બ્રીજ | 4.1 કિમી વિસ્તારમાં 4 ટીમ |
ઝોન-2 સમા બ્રીજથી વુડા સર્કલ | 1.9 કિમી વિસ્તારમાં 2 ટીમ |
ઝોન-3(એ) રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ | 1.4 કિમી વિસ્તારમાં 1 ટીમ |
ઝોન-3(બી) નરહરી હોસ્પિ.થી કાલાઘોડા બ્રીજ | 2.2 કિમી વિસ્તારમાં 2 ટીમ |
ઝોન-4(એ) કાલાઘોડાથી અકોટા બ્રીજ | 1.3કિમી વિસ્તારમાં 1 ટીમ |
ઝોન-4(બી) અકોટા બ્રીજથી મુજમહુડા | 3.3 કિમી વિસ્તારમાં 3 ટીમ |
ઝોન-5 મુજમહુડાથી વડસર બ્રીજ | 1.5 કિમી વિસ્તારમાં 1 ટીમ |
ઝોન-6(એ) વડસર બ્રીજથી કલાલી | 1 કિમી વિસ્તારમાં 1 ટીમ |
ઝોન-6(બી) કલાલીથી તલસટ | 4.6 કિમી વિસ્તારમાં 5 ટીમ |
ઝોન-7 અને 8 : કુલ 17 તળાવો | 5 ટીમ |
4 પાયદાન, કદ પ્રમાણે મગરની ઓળખ કરાઇ
બાળ મગર 6થી 8 ઇંચથી 3 ફૂટ સબ એડલ્ટ મગર 3થી 6 ફૂટ એડલ્ટ મગર 6થી 9 ફૂટ લાર્જ મગર 9 ફૂટથી વધારે
