Vadodara News Network

પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ સરકારે પરત લીધા:હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો; અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માગ..

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલાં તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે. આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે. તો લાલજી પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માગ કરી હતી. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચાયા

રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માગ સાથે તોડફોડ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયાં હતાં જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા. જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી.

હાર્દિક પટેલે આભાર માનતી પોસ્ટ મૂકી

ત્યારે આજરોજ (7 ફેબ્રુઆરી)એ વિરમગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું

કેસો પાછા ખેંચાયા મામલે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં

અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ 14 જેટલા કેસો નોંધાયા હતા. આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે.

 

અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માગ

 

સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, મોડે મોડે પણ સરકાર જાગી તે સારી બાબત છે. પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના હિત માટે હતું. તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન અનેક યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા હતા.

 

એસપીજી અધ્યક્ષે ઉમેર્યું કે તેઓ જ્યારે પણ મુખ્યમંત્રીને મળતા ત્યારે આ કેસો પરત ખેંચવા અંગે રજૂઆત કરતા હતા. તેમણે સરકારના આ નિર્ણયને ખૂબ જ સકારાત્મક ગણાવ્યો છે. વધુમાં, તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે રાજદ્રોહના કેસોની સાથે સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પણ પરત ખેંચવામાં આવે.

 

‘ગુજરાતના તમામ આંદોલનકારોની જીત થઈ’

આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર અનામત સમયના રાજદ્રોહ સહિતના મુખ્ય ગંભીર કેસો પાછા ખેંચવામાં આવ્યા છે જે બદલ હું સરકારનો આભાર માનું છું. મહેસાણા જિલ્લાના કડી વિસ્તારના 307 જેવા ગંભીર 14 જેટલા કેસો મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેના માટે હું તેમનો આભાર માનું છું. આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારો જોડાયા તે તમામનો પણ આભાર માનું છું.

 

‘કેસોની યાદી બે મહિના પહેલાં સરકારને આપી હતી’ : પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા

પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે. તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને કન્વિનર અલ્પેશ કથીરિયાએ પણ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સરકારે કેસો પરત ખેંચ્યા છે. બે મહિના પહેલાં જ અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી. કુલ 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે.

 

કુલ 14 કેસ પરત ખેંચાશે

 

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથીરિયાએ સરકારના નિર્ણયને લઈને જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસો થયા હતા, તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણાનો છે. આ મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.

 

સાથે તેઓએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલને આ કેસોની યાદી બે મહિના પહેલાં આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગૃહ સચિવ, અન્ય મંત્રાલયના સચિવ, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ આજે આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને અમે ખૂબ જ સારી રીતે જોઈ રહ્યા છીએ. સરકારે આ નિર્ણયને પોઝિટિવ રીતે લીધું છે, એ માટે અમે આભાર માનીએ છીએ. આ પ્રક્રિયામાં જે કોઈએ પણ ફરજ નિભાવી છે, તમામનો આભાર માનીએ છીએ.

 

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સત્તાવાર રીતે આજે સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે. પરંતુ શનિ-રવિના દિવસો આવતા હોવાના કારણે કદાચ સોમવાર સુધીમાં નિર્ણય જઈ શકે. સરકાર દ્વારા કદાચ શનિવારે સાંજ સુધીમાં યાદી જાહેર કરવામાં આવે. અમારી ઉપરના જે ગંભીર પ્રકારના કેસો માત્ર બે જ છે, પરંતુ પબ્લિક ઉપરના 12 અન્ય કેસો છે, જે સૌથી વધુ લોકો ભેગા થયા ત્યારે કરવામાં આવ્યા હતા. ટોળા ઉપર આ કેસો નોંધાયા હતા.

 

આંદોલનની આગ અને 4 પાત્ર

1. હાર્દિક પટેલ: રણનીતિ નહીં ભાવનાત્મક ઊભરો વધુ

આ પ્રકારનાં આંદોલનોનો સૌથી નાની વયનો નેતા. આ જ કારણ હતું કે આ સમગ્ર આંદોલનમાં માત્ર ભાવનાત્મક ઊભરો જ દેખાયો. તથ્યો અને તર્કો સાથે વધુ સંબંધ ન હતો. રણનીતિ અદૃશ્ય હતી. પરિપક્વતા પણ ઓછી. દસ લોકો માર્યા ગયા પછી આંદોલન કેવી રીતે આગળ વધશે, તેની કોઇ નક્કર રૂપરેખા સામે આવી શકી નહોતી.

 

2. લાલજી પટેલ: પટેલોના મોટા નેતા, પરંતુ ગાયબ થઇ ગયા

પાટીદાર સમાજ માટે કામ કરનાર સરદાર પટેલ ગ્રૂપના કન્વિનર. શરૂઆતમાં પાટીદાર અનામત આંદોલનના મોટા નેતા એ જ હતા. સાથે પણ ચાલ્યા. પાટીદાર અનામત સમિતિ બન્યા પછી હાર્દિકનું નામ લોકોના જીભે ચડી ગયું અને લાલજી પટેલ દબાતા ગયા. આ આંદોલનમાં જેટલી ઝડપે હાર્દિક લોકપ્રિય થયા એટલી જ ઝડપે લાલજી પટેલ ગાયબ થઇ ગયા હતા.

 

3.પોલીસ: જુઠ્ઠો આક્રોશ બતાવીને આંદોલનને વધુ ભડકાવ્યું

પોલીસે શાંતિપૂર્વક ચાલી રહેલા મોટાભાગના પ્રસંગોએ જુઠ્ઠું એગ્રેશન બતાવ્યું હતું. પોલીસ એટલી ઝનૂની થઇ ગઇ હતી કે સોસાયટીઓમાં ઘૂસીને પટેલોને નિશાન બનાવતી વખતે એ પણ ન વિચારી શકી કે તેણે પોતે લગાવેલા સીસીટીવી કેમરામાં આ બધું નોંધાઈ રહ્યું છે.

 

4. સરકાર: સમગ્ર આંદોલનમાં રહસ્યમયી આળસથી આંદોલિત

ગુજરાત સરકાર સમગ્ર આંદોલન દરમિયાન રહસ્યમયી આળસથી આંદોલિત હતી. પહેલી જ મંત્રણામાં સરકારે બધી માગણીઓ ફગાવી દીધી હતી. વધુ મંત્રણાનો કોઇ અવકાશ જ નહોતો રાખ્યો. પછી પોલીસ પર તેનું નિયંત્રણ ન રહ્યું..

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved